Godhra

ઘોઘંબામાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં અચાનક ગેસ લીકેજ, 1નું મોત, 12ને અસર

પ્રતિનિધી ગોધરા:

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં આજે ઝેરી કેમિકલ ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ૧૨ જેટલા કામદારો ગેસ ગળતરથી અસરગ્રસ્ત થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોને વડોદરાની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ગેસ લીકેજની જાણ થતા જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. રાજગઢ પોલીસ, જિલ્લા પ્રશાસનની ટીમ અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. સૌ પ્રથમ, ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. પોલીસ દ્વારા ફેક્ટરીને ચારેય તરફથી ઘેરીને આસપાસના ગ્રામજનોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને જોતા પંચમહાલ કલેક્ટર અજય દહીયા, મામલતદાર, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાની પુષ્ટિ કરી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

હાલમાં, ગેસનું પ્રમાણ અત્યંત તીવ્ર હોવાથી ફેક્ટરીની અંદર પ્રવેશવું શક્ય નથી, જેના કારણે ગેસ લીકેજના ચોક્કસ સ્ત્રોતની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા બહારથી જ પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. સ્થાનિક તંત્રએ આ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે. કંપનીમાં સલામતીના નિયમો અને ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આસપાસના રહેવાસીઓમાં આ ઘટનાને લઈને ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે. તેમનું કહેવું છે કે જો ગેસનો પ્રભાવ વધારે વિસ્તાર સુધી ફેલાયો હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી.

બ્લાસ્ટ નહીં, માત્ર ગેસ લીકેજ: SP

ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હરેશ દુધાત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પ્લાન્ટની મુલાકાત લીધા બાદ સ્પષ્ટતા કરી હતી કે, “કોઈ બ્લાસ્ટ થયો નથી. કંપનીમાં R-32 નામનો ગેસ, જે એર કન્ડિશનમાં વપરાય છે, તે પાઇપલાઇનમાંથી લીક થયો હતો.” તેમણે અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અપીલ કરી હતી.

મૃતક પુજારી હોવાની પ્રાથમિક જાણકારી

SP હરેશ દુધાતે જણાવ્યું કે, “અત્યાર સુધીમાં કુલ ૧૨ લોકોને સારવાર માટે હાલોલની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.” તેમણે ઉમેર્યું કે, “મૃતક વ્યક્તિ કંપનીમાં આવેલા નાનકડા મંદિરના પુજારી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, પરંતુ હજી તેની પુષ્ટિ થઈ નથી.”

ગેસ લીક થવાને કારણે કામદારોને ઉબકા (નોઝીયા) અને ઉલટી (વોમિટિંગ) જેવી અસર થઈ હતી. તેમને તાત્કાલિક કંપનીના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર (OHC)માં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top