છોકરાઓ તો અહિયાં જ રમશે તેમ કહી અપશબ્દો બોલી મહિલા અને તેમના પુત્રે માર માર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા.01
શહેરના ન્યૂ વીઆઇપી રોડ વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે બપોરે તડકામાં પાડોશના બાળકોને રમવાની ના પાડતાં પાડોશી મહિલા અને તેમના પુત્રે પીવીસી પાઇપથી માર મારી ડાબા હાથની કોણી અને જમણા ખભા તથા કાન પર ઇજા પહોંચાડી હોવાના મામલે ઇજાગ્રસ્ત દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ન્યૂ વીઆઇપી રોડ વિસ્તારમાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે. જ્યાં ગેટ નં.5 નજીક આશરે 78 વર્ષીય સિનિયર સિટીઝન હરીભાઇ પરસોતમભાઇ ટાંક પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.31 મે ના રોજ હરીભાઇ બપોરના સુમારે આશરે સવા એક વાગ્યે ઘરે હાજર હતા તે દરમિયાન ઘરની નજીક પાડોશીના બાળકો રમી રહ્યા હોય હરીભાઇએ બાળકોને “અત્યારે તડકો હોય ઉંઘી જાઓ” તેમ કહેતા પાડોશમાં મકાન નં.268/05, વૈકુંઠ -2મા રહેતા હર્ષાબેન દલપતભાઇ પરમાર તથા શૈલેષકુમાર દલપતભાઇ પરમારનાઓ ઘરની બહાર નીકળી આવ્યા હતા અને હરીભાઇને જણાવ્યું હતું કે “છોકરાઓ તો અહિયાં જ રમશે” તેમ જણાવી અપશબ્દો બોલતા હરીભાઇ ઘરમાંથી લાકડી લઈ બહાર આવ્યા હતા. જેથી શૈલેષભાઇએ ઘરમાંથી પીવીસી પાઇપ લાવીને હરીભાઇને માર મારતાં હરીભાઇને ડાબા હાથની કોણી ઉપર, જમણા ખભા પાસે તથા જમણા કાનના ઉપરના ભાગે ઇજા પહોંચી હતી જેથી સમગ્ર મામલે હરીભાઇએ હર્ષાબેન તથા તેમના પુત્ર શૈલેષભાઇ વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.