Comments

ગ્રાહકોને ઝટકા દેનાર વિદ્યુત બોર્ડ નવા કલેવરમાં વપરાશકારોને આવકારશે!!

ગુજરાત વિદ્યુત બોર્ડ સ્વાયત્ત સંસ્થા તરીકે વિકસી શકે અને આર્થિક રીતે સક્ષમ બને તેવા હેતુથી બોર્ડના કામકાજને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવેલ છે. ૧ એપ્રિલ ૨૦૦૪થી અમલી વિભાગીકરણમાં રાજ્ય સરકાર હસ્તકના વણાંકબોરી, ધુવારણ, સિક્કા અને ઉકાઈ વીજ ઉત્પાદન કેન્દ્રોને કંપની એક્ટ નીચે આવરી લઈને “GUJRAT STATE ENERGY DEVELOPMENT BOARD” નામ અપાયું છે. જ્યારે “GUJRAT ENERGY TRANSMISSION” નામે રચાયેલ કોર્પોરેશન વીજ પ્રવાહના ટ્રાન્સ મિશનનું કામ કરી રહ્યું છે.

‘વીજળી’ તે સ્વયં સંસ્કૃતિનો ભાગ બની છે ત્યારે વીજ વપરાશકારોને મળતી વીજળી ગુણવત્તામાં સક્ષમ હોય અને પૂરતી માત્રામાં મળી રહે તે માટે થઈ રાજય સરકારે વીજ વિતરણ કોર્પોરેશનની રચના કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પશ્ચિમ-ગુજરાત, તેમ ચાર ઝોનમાં વિતરણ વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાતના વિકાસ-આધાર તરીકે સ્વીકારાએલ પંચામૃત યોજનામાં ઊર્જાશક્તિનું સવિશેષ મહત્ત્વ રહ્યું છે. ઊર્જા વિભાગ ગ્રાહકલક્ષી, વ્યાવસાયિક અભિગમ દાખવે તેવા આશયથી સ્વીકારાયેલ ફેરફારોથી રાજયના ૩.૨૦ કરોડ ગ્રાહકોમાં શક્તિનો સંચાર કરશે, તેમની ઉત્પાદકતામાં વધારો થશે અને વ્યક્તિના જીવનધોરણમાં સુધારો થશે તેવી આશા રખાઈ હતી જેની યથાર્થતા તપાસવાનો હવે સમય આવી ગયો છે.

નર્મદા બંધની ઊંચાઈ ૧૧૦ મીટરે પહોંચતાં વર્ષ ૨૦૧૪ના જૂન માસથી કેનાલ હેડ પાવરહાઉસમાંથી આ ૨૮૦૦૦ મિલિયન યુનિટ તથા રિવર બેડ પાવર હાઉસમાંથી ૨૦૦ મેગાવોટ વીજળી મળી રહી છે. રાજય સરકારે વીજળીના વધતા વપરાશને જીવનવિકાસ સાથે સાંકળી વીજ પેદાશમાં ગુજરાતને આત્મનિર્ભર કરવા વાઈબ્રન્ટ ગુજરાતે ૩૮ કંપનીઓ સાથે રૂ. ૧૪ હજાર કરોડના વીજરોકાણ માટેનો કરાર કર્યો છે. ‘ આ ઉપરાંત બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્ર જેવા કે, વિન્ડફાર્મ, સોલાર, બાયોગેસ ક્ષેત્રે પણ આગળ વધવા સરકારે પ્રતિબધ્ધતા દાખવી છે. આથી ગુજરાતમાં રોજની સરેરાશ છ કરોડ રૂપિયાની વીજળી ઉત્પન્ન થઈ રહી છે. એટલું જ નહીં પણ નાગરિકો વીજળીનો વધુ ને વધુ ઉત્પાદકીય હેતુ માટે ઉપયોગ કરી આર્થિક વિકાસ કરી શકાશે તેવી આશા બંધાઈ છે.

વીજળી, પાણી, રસ્તા, સંચાર અને સહુ માટે આવાસની ઉપલબ્ધિ આવતાં વર્ષોમાં દેશના વિકાસ માટેનો પ્રથમ આધાર બનશે. પરંતુ યોજના પંચની ધારણા મુજબ ભારત વર્ષનો વિકાસ દર ૮.૨ ટકા હાંસલ કરવો હશે તો ગુજરાતને ૧૦ ટકાના વિકાસ દરે લઈ જવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. ગુજરાત સરકાર દ્વારા ઊર્જા ક્ષેત્રે લેવાયેલાં Initiative ને લક્ષમાં લઈ કેન્દ્ર સરકારે રાજયને ૧૭૩૬ કરોડની ગ્રાન્ટ આપી છે. ઉપરાંત એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ૯૦૫ કરોડની લોન મળી છે. આ સહાય ઈલેક્ટ્રિક સાધનોની સુધારણા હેતુને સાર્થક કરવા માટે છે. આથી આવતા ૩૩ માસમાં વીજ ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાપનમાં વ્યાપક સુધારણાઓને આકાર આપવો અનિવાર્ય છે.

આમ છતાં, ગુજરાત જેવા જાગૃત રાજ્યમાં પણ વીજચોરી વીજ વપરાશ માટે વિઘ્ન છે!! રાજ્યે વીજચોરીના કારણે દર વર્ષે રૂ. ૨૮૦૦ કરોડથી વધુ નુકસાન સહેવું પડે છે. આ સ્થિતિના નિવારણ તરીકે રાજય સરકારે વીજચોરી અધિનિયમ પસાર કરી ૪૦૨૬ કરતાં વધુ કેસ પકડી પાડી રૂ.૩૫૩ કરોડની વસુલાત કરી છે. ગત એક જ વર્ષમાં  વીજચોરી અટકતાં વિદ્યુત બોર્ડની આવકમાં રૂ. ૨૫૪૫ કરોડનો વધારો થયો છે. આથી ગુજરાત વીજ નિગમને રૂ. ૧૨૯૫ કરોડની બચત થઇ છે. બીજી તરફ જયોતિગ્રામ જેવી ગ્રામ વીજળીકરણની યોજના મૂકી વિદ્યુત બોર્ડે ૧૧૦૦૦થી વધુ પ્રામાણિક ગામડાંઓને ૨૪ કલાક વીજળી પૂરી પાડવાનું બીડું પાર પાડયું છે. શહેરી વિસ્તારમાં નાગરિકોને વીજજોડાણો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે ખાસ સેલ ખોલી ૨૧૪ લાખ જોડાણો આપ્યાં છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના વિકાસ માટે ૨૮૦૦૦થી વધુ જોડાણનો લક્ષ્યાંક પણ રખાયો છે.

વીજળીની માંગ અમર્યાદિત રહી છે અને તેનો પુરવઠો સીમિત રહ્યો છે. આથી ચોમાસાની ઋતુમાં ટ્રાન્સફોર્મરનો ફેલ્યોર રેટ જયાં સુધી ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી વીજવ્યય અટકશે નહીં. આજે વીજળીના પોલ આધારે પસાર થતાં વીજ વાયરોમાં લંગર (હુક) નાખવા કે ઘર પાસેના કંટ્રોલ મીટર ઉપર મેગ્નેટ- ભારે વજન મૂકી બદઈરાદાથી વ્યવહાર કરનાર નાગરિકોથી વીજ વિભાગને ખોટ સહન કરવી પડે છે. કૃષિ વીજવિકાસનો આધાર બની શકે પણ રાજકીય પક્ષોએ સરકાર અને આમ જનતાના ભોગે મતલક્ષી લોકરંજન વૃત્તિ જારી રાખી છે. આથી ખેડૂતોને મફત વીજળીનું વ્યસન કોઠે પડી ગયું છે. આમ છતાં, સરકારે ખેડૂતોની બેબુનિયાદ માંગણી સામે નમતું ન જોખી સાચા અર્થમાં રાજધર્મ નિભાવવાનો છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમની સ્થાપના થઈ ત્યારથી બોર્ડ સરકારી વિભાગ તરીકેની માનસિકતાથી વહીવટ કરવો પડે છે. આમ છતાં લોકશાહી માળખાની મર્યાદાઓ સ્વીકાર કરી જૂનાં કર્મચારીઓની મનોવૃત્તિ સુધરે તેવી તાલીમો ગોઠવવી પડશે. ગુજરાત વિદ્યુત બોર્ડનું કંપનીમાં રૂપાંતર થતાં અને શેર બહાર પાડતાં ગુજરાતની આમ જનતાનો જબ્બર પ્રતિસાદ મળ્યો છે. બોર્ડે fuel cost ઘટાડી છે. આથી ગુજરાતની જનતાને ૭૧૪ કરોડની રાહત મળી છે. પરંતુ કર્મચારીઓનાં મનોવલણ બદલાશે નહીં તો કંપની ધાર્યો વ્યાપાર કરી શકશે નહીં. રાજય સરકારે વીજ વિતરણની સેવાઓને પણ આધુનિક બનાવવી જરૂરી છે. વીજ વપરાશકારો પોતાના દ્વિમાસિક વીજળીનાં બીલોની સરેરાશ રકમ અગાઉથી ભરી પાવરકાર્ડ ખરીદવા માગતા હોય તો તેમને રાહત દરે વીજળી આપવાની યોજના કરવી જોઈએ. વીજળીના વપરાશને Domestic અને Commercial તેમ બે વિભાગના દરમાં વહેંચવામાં આવે છે. પણ વીજળીના લકઝરીયસ ઉપયોગના અલગ દર નક્કી કરવાનું બને તો વીજવ્યય ઘટે અને આવક વધશે.

ટેલિફોનના સેટેલાઇટ કનેકશને ગુજરાત એક બન્યું છે. પણ વીજળીનાં દોરડાં તો ટેલિફોન કરતાં પણ વધુ વિસ્તારે પથરાયાં હોઈ, વીજળીનાં મીટરો સાથે સાઉન્ડ સિસ્ટમ જોડી ગ્રાહકોને વખતોવખત સુરક્ષા અને સુવિધાઓ આપવાનું કામ પણ થઈ શકે તેમ છે. દુનિયાએ પાવર કલ્ચરનો સ્વીકાર કર્યો છે. છતાં વીજળીનો વપરાશકાર લાચાર રહ્યો છે. જો કે હવે ગ્રાહકનો સન્માનનીય દરજજો આપવા ઊર્જા વિકાસ નિગમ પ્રતિબધ્ધ થયું છે. તો રાજયના સહુથી વધુ નફો કરતાં એકમ તરીકે પ્રસ્થાપિત થવામાં લાંબો વખત નહીં જાય, તેવી આશા રાખીએ.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top