પ્રતિનિધિ વડોદરા તા.8
ગોવાથી હાલોલ ગોધરા 31.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો આપવા જતા ટેમ્પો નેશનલ હાઇવ 48 પર બામણગામ પાસેથી ઝડપાયો હતો. કરજણ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઇલ મળી 37.44 લાખના મુદ્દામાલ સાથે કેરલાના ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
ભરૂચ તરફથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો વડોદરા તરફ જવાનો છે તેવી બાતમી કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ એ કે ભરવાડને મળી હતી જેના આધારે સ્ટાફના માણસોએ બામણગામના બસ સ્ટેશનથી પાસી હોરીઝોન ઇન્ડસ્ટ્રીઝન સામે કરજણથી વડોદરા તરફના નેશનલ હાઇવે 48 પર વોચ ગોઠવી હતી. દરમિયાન ભરૂચથી વડોદરા તરફ આવતા ટેમ્પાને ઉભો રખાવ્યો હતો. જેમાં ચાલક મળી આવતા તેને નીચે ઉતારી ટેમ્પાની પાછળ ચેકિંગ કરાવતા 31.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક બીનુ થોમસ ચાકો (રહે. કેરલા)ની પૂછપરછ કરતા વિદેશી દારૂ ભરાવીને ટેમ્પો ગોવા કરસન વાડ ખાતેથી લઇ મોકલ્યો હતો અને હાલોલ ગોધરા હાઇવે પર જઇને ફોન કરવાનો હોવાનુ જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા દ્વારા વિદેશી દારૂ, ટેમ્પો, અને મોબાઇલ મળી 37.44 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી જ્યારે દારૂ ટેમ્પામાં ભરાવીને મોકલી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.