એક્ટિવા પર જતાં બે મિત્રોને નડ્યો અકસ્માત, ધોરણ-10ની પરીક્ષા આપનાર યુવક હોસ્પિટલમાં
મહાવીર નામના યુવકનો જીવ ટ્રેલર નીચે કચડાયો, વડોદરાના હાઈવે પર અરેરાટી
(પ્રતિનિધિ), વડોદરા. તા.21
શહેરના હાઈવે પર બેફામ દોડતા વાહનોને કારણે વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. શનિવારે (21 ફેબ્રુઆરી) સવારે નેશનલ હાઈવે 48 પર ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી તરફ જતા માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક એક્ટિવા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક મહાવીર વિરપરા તેના મિત્ર યુવરાજ ઠાકોર સાથે એક્ટિવા પર સવાર થઈને ગોલ્ડન ચોકડીથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આગળ જઈ રહેલા એક ટ્રેલરની પાછળ એક્ટિવા ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહાવીરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. હાઈવે પર લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ જોઈને રાહદારીઓના કાળજા કંપી ઉઠ્યા હતા.

અકસ્માતમાં પાછળ બેઠેલા યુવરાજ ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત યુવરાજ ધોરણ-10ની રિપીટર પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બંને મિત્રો વહેલી સવારે ઘરેથી કયા કામ અર્થે નીકળ્યા હતા, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અકસ્માતની જાણ થતા જ હરણી પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહાવીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી, જેને પોલીસે મહામુસીબતે પૂર્વવત કરાવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી મહાવીરના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વહેલી સવારે હસતા મોઢે ઘરેથી નીકળેલા પુત્રનો મૃતદેહ જોતા પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.