ખાણ ખનિજ વિભાગની બેદરકારી
પ્રતિનિધિ સંખેડા
તા:૯/૦૯/૨૦૨૫
છોટા ઉદેપુર જીલ્લાના ગોલા ગામડી ખાતે ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટ પાસે વિભાગની બેદરકારીને કારણે રસ્તા પર માટીના થર જામી જતાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

છોટા ઉદેપુર જીલ્લાના ગોલા ગામડી ખાતે ખાણ ખનિજ વિભાગની ચેકપોસ્ટ આવેલી છે. જ્યાં દરરોજ સેંકડો ટ્રક રેતી ભરીને આવે છે. કેટલીક વખત રેતી પણ ભીની આવે છે. ઉપરાંત હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. જેને લઇને ચેકપોસ્ટ પાસે રોડની બાજુમાં ખાડા થઈ ગયા છે. આ ખાડામાં પાણી ભરાઈ જતાં ચેકપોસ્ટ માટેની નીકળતી ટ્રકો પાણીમાંથી પસાર થતા રસ્તા પર માટી જામી ગઈ છે. વરસાદ પડતાં માટી ચીકણી થઇ જતા રસ્તા પરથી અવર જવર કરતા વાહનોને અકસ્માત થાય તેવી ભિતી સેવાઈ રહી છે. છેલ્લા એક મહિનાથી આવી સ્થિતિ સર્જાવા છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા રસ્તા પરની માટી દૂર કરતી નથી અને માટીના થર જામી જતાં ઉબડ ખાબડ રસ્તો બની ગયો છે.

જેથી ગોલા ગામડી ચેકપોસ્ટ પાસેથી રસ્તા પરથી માટી તાત્કાલિક ખસેડવામાં આવે અને ખાણ ખનિજ વિભાગ આ બાબતે સજાગ બનીને રસ્તા પર માટીના થર ના જામે તેની કાળજી લે તે ખૂબ જરૂરી બન્યું છે
તસવીર: સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા