
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરમાં ગત તા.27 ઓગસ્ટ ને ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી બુધવારથી શહેરમાં ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને તા.06 સપ્ટેમ્બર ને શનિવારે ભાદરવા સુદ ચૌદશ,અંનંત ચતુર્દશી સુધી દસ દિવસ સુધી શહેર શ્રીજીમય બન્યું હતું. ત્યારે શહેરના ગોરવા – ઉંડેરા રોડ સ્થિત આશરે 180 જેટલા મકાનો ધરાવતી પુષ્પક ટાઉનશીપ ખાતે છેલ્લા 22 વર્ષોથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે સતત આ 23મા વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી.

ભાદરવા સુદ ચૌદશ એટલે અનંત ચતુર્દશી નિમિત્તે મહા આરતી તથા શ્રીજીની પ્રતિમાના વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં શ્રીજીની સ્થાપના થી માંડીને વિસર્જન દરમિયાન દરરોજ ભજન કિર્તન, આરતી તથા 56 ભોગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પુષ્પક ટાઉનશીપના પ્રમુખ કિશોરભાઇ, ઉપપ્રમુખ ઉદ્યોગપતિ રાજેશભાઇ પાઠક, રેખાબેન, કમિટિના સભ્યો રાજેન્દ્રસિંહ, પ્રકાશભાઇ, બિપીનભાઇ, અમીતભાઇ, છાયાબેન ,નિલમબેન તથા નીતિનભાઇ દ્વારા સફળતાપૂર્વક શ્રીજી ઉત્સવ થી લઈને શ્રીજીની ભાવવિભોર વિસર્જન સાથે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
