Vadodara

ગોરવાના સુકૂન હાઈટ્સ-2 ફ્લેટમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ ભભૂકી

ફાયરબ્રિગેડ અને જીઈબીની ટીમે આગ પર કાબુ મેળવ્યો :

આગની લપેટમાં ઘરનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર ચાર રસ્તા બ્રિજ નજીક આવેલા સુકૂન હાઇટ્સ ટુ ફ્લેટમાં ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે પણ આગની ઘટના બની હતી. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સુકૂન હાઈટ્સ 2 ફ્લેટના બીજા માળે મકાન નંબર 203માં અચાનક ગેસ બોટલમાં લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા તુરંત જ ફ્લેટના રહીશો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક રહીશો જીવ બચાવવા માટે સહી સલામત સ્થળે દોડી ગયા હતા. જ્યારે, એક તબક્કે આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમ તથા જીઈબીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ બુઝાવતા પહેલા વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા મકાનનું વીજ જોડાણ કટ કરવામાં આવ્યું હતું જેથી કોઈ અન્ય દુર્ઘટના ન સર્જાય.

આ આગ ગેસ બોટલ લીકેજ હોવાથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. જ્યારે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ટીપી 13 ફાયર સ્ટેશનના સૈનિક હેમંત ઉત્તેકરે જણાવ્યું હતું કે, આગનો કોલ મળતા અમે ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં જોતા આગ દેખાઈ હતી અને પ્રથમ વીજ કનેક્શન કાપી ત્યારબાદ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ ગેસનો બોટલ લીકેજ હોવાના કારણે લાગી હતી. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને જરુર જણાશે તો ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના કારણે નોટિસ પણ આપીશું તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top