જિલ્લાના અન્ય પુલોની પણ તપાસ કરાશે
પ્રતિનિધિ ગોધરા તા.11
વડોદરા- આણંદ જિલ્લાને જોડતો ગંભીરા પુલ તૂટી પડવાની તાજેતરની દુર્ઘટના બાદ રાજ્યભરમાં પુલોની સલામતી અંગે વધેલી ચિંતાને ધ્યાનમાં રાખીને, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે, ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેસરી નદી પર આવેલા સાતપુલ બ્રિજનું માર્ગ અને મકાન વિભાગ (R&B), નાયબ કલેક્ટર અને નગરપાલિકાના અધિકારીઓની ટીમે ઝીણવટભરી તપાસ કરી છે.
ગોધરાનો સાતપુલ બ્રિજ, જે 1989માં ભારે વરસાદને કારણે તૂટી પડ્યા બાદ 1995માં R&B વિભાગ દ્વારા ફરીથી બનાવવામાં આવ્યો હતો, તેને હવે 30 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આટલા લાંબા સમયગાળાને કારણે બ્રિજની આજુબાજુની દીવાલો અને રસ્તા પરથી લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા હોવાનું જણાયું હતું. આ ખામીઓને ધ્યાનમાં રાખીને, પંચમહાલ નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમે સાતપુલ વિસ્તારની મુલાકાત લઈ બ્રિજની વર્તમાન સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા બાદ, ગુજરાત રાજ્યનાના અન્ય જિલ્લાઓમાં પણ પુલોની તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી હતી. આ માંગના અનુસંધાનમાં, પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર અને R&B વિભાગની ટીમે હવે જિલ્લામાં આવેલા તમામ બ્રિજનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. જ્યાં પણ કોઈ ક્ષતિ જણાશે, તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ પગલાં ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ફરી ન ઘટે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે.