પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો
ગોધરા: ગોધરા તાલુકાના પઢીયાર ગામના અંદરના મુવાડામાં છેલ્લા ૧૫ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ખોરવાઈ જતાં સ્થાનિક લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અને ભારે પવનને કારણે ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના પરિણામે વીજ લાઇનના વાયરો તૂટી ગયા હતા. સદનસીબે, આ તૂટેલા વાયરો રોડ પર પડતા મોટી જાનહાનિ ટળી હતી અને વાયરો નીચે રહેલા પશુઓનો પણ આબાદ બચાવ થયો હતો.
આ ઘટના અંગે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) ના કાંકણપુર પેટા વિભાગને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા, સ્થાનિક ગ્રામજનોએ જાતે જ કમર કસી હતી. જીવના જોખમે ગ્રામજનોએ વાયરો પર પડેલી વૃક્ષોની ડાળીઓ દૂર કરી અને વાયરોને બહાર કાઢ્યા હતા. જમીન પર ખુલ્લા પડેલા આ વાયરોને કારણે લોકોને કરંટ લાગવાનો ભય ફેલાયો હતો.
સ્થાનિક લોકોની ફરિયાદ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મધ્ય ગુજરાત વીજ કંપનીના કાંકણપુર પેટા વિભાગ દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત નબળી કરવામાં આવે છે. જેના કારણે ચોમાસાની ઋતુમાં તેઓને બે થી ત્રણ દિવસ સુધી અંધારામાં રહેવાનો વારો આવે છે.

આ ઘટના એમ.જી.વી.સી.એલ ના કાંકણપુર પેટા વિભાગની પ્રી-મોન્સૂન કામગીરી ઉપર લોકોની ફરિયાદો પ્રત્યેની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી, વીજ પુરવઠો પૂર્વવત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવા માંગ ઉઠવા પામી છે.

અમે ગ્રામજનો પોતાના જીવના જોખમે લાઈટનું સમારકામ કરીએ છીએ.”
જ્યારે ચોમાસાની ઋતુ આવે છે ત્યારે અમારા વિસ્તારના લોકોને બે થી ત્રણ દિવસ સુધી અંધારામાં રહેવાનો વારો આવે છે. અમે આ બાબતે કાંકણપુર જીબીને તેમના ફરિયાદ નંબર ઉપર કોલ કરીએ છીએ, પરંતુ તેમના દ્વારા કોલ રીસીવ કરવામાં આવતો નથી. તેઓ દ્વારા અમારા કોઈપણ વિસ્તારમાં કોઈપણ પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી નથી.જેને લીધે અમારે લાઇટ વગર રહેવાનો વારો આવે છે. અંતે અમે ગ્રામજનો પોતાના જીવના જોખમે લાઈટનું સમારકામ કરીએ છીએ.”
-સામાજિક કાર્યકર : આશિષ બારીઆ