Panchmahal

ગોધરા – વડોદરા હાઈવે પર ટ્રકે બાઇકને ટક્કર મારી , ચારના મોત

અથડામણ એટલી ભયાનક હતી કે બાઈક ઉપર સવાર માતા પિતા અને ત્રણ બાળકોમાંથી ચારના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા

પોલીસ તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો ધોધંબા તાલુકાના બોર ગામના વતની હોવાનું સામે આવ્યું

ગોધરા: પંચમહાલમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલમાં ગોધરા વડોદરા હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજયા છે. ગોધરા વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટેલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી ભયાનક હતી કે બાઈક ઉપર સવાર 5 વ્યક્તિઓમાંથી ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતાં.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ પાસેના રસ્તા પરથી બાઈક પર એક પરિવાર બહાર જઈ રહ્યો હતો. બાઈક પર માતાપિતા અને 3 બાળકો હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકચાલકને અડફેટે લીધા હતા. ટ્રક ચાલકની બેદરકારીએ ગંભીર અકસ્માત સર્જયો હતો. બાઈક પર સવાર પરિવાર ટ્રક સાથે અથડામણને પગલે નીચે પટકાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા. દરમિયાન અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો. હાજર થયેલા લોકોએ અકસ્માતનો ભોગ બનેલા પરિવારને બચાવવા પ્રયાસ કર્યો હતો.

ગોધરા વડોદરા હાઇવે પર હોટેલ નજીક અકસ્માતની ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી ગઈ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો ધોધંબા તાલુકાના બોર ગામના વતની હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતમાં માતાપિતા સહિત બે પુત્રીના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા હતા. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનારા 4 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી છે. આ શખ્સને પણ સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ સ્થાનિકોના નિવેદન લઈ તેમજ ઘટનાની આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે અકસ્માતની વધુ વિગતો પ્રાપ્ત કરશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top