પ્રતિનિધિ ગોધરા તા.23
ગોધરા શહેરમાં અવારનવાર પશુ-પક્ષીઓના જીવ બચાવવાની ઘટનાઓમાં ફાયર બ્રિગેડ મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. ત્યારે સાંપા રોડ પર વીજ તારમાં ફસાયેલા એક અબોલ પક્ષીનો જીવ ફાયર જવાનોએ બચાવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરાના સાંપા રોડ પર આવેલી વરુણ બેકરી પાસે પસાર થતી 3 ફેઝની વીજ લાઈનમાં એક કબૂતર ફસાઈ ગયું હતું અને તેનો જીવ જોખમમાં હતો.
ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને થ્રી ફેઝ લાઈનના તારો વચ્ચે ફસાયેલા કબૂતરને કોઈ પણ ઈજા વગર સહી સલામત રીતે જીવતું રેસ્ક્યુ કર્યું હતું.ત્યારબાદ, આ બચાવેલા કબૂતરને વધુ દેખરેખ અને સારવાર અર્થે ગોધરાના ‘જય માતાજી ફાઉન્ડેશન’ને સોંપવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની આ જીવદયાલક્ષી કામગીરીની સ્થાનિકોએ ભરપૂર પ્રશંસા કરી હતી.