Godhra

ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી

વોર્ડમાં બાકી વેરો વસૂલવા પાલિકા મેદાને: કોમર્શિયલ મિલકતો સીલ થશે અને રહેણાંકના નળ કનેક્શન કપાશે

૩૫ કરોડની ડિમાન્ડ સામે માત્ર ૧૦ કરોડની વસૂલાત થતા તંત્ર એક્શન મોડમાં: બાકીદારોને ૩ દિવસનું અલ્ટીમેટમ

ગોધરા : નગરપાલિકા દ્વારા લાંબા સમયથી બાકી રહેલા વેરાની વસૂલાત માટે હવે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના ૧૧ વોર્ડમાં અંદાજિત ૨૫ કરોડ રૂપિયા જેટલો જંગી વેરો બાકી હોવાથી પાલિકાના વેરા વસૂલાત વિભાગે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. તંત્ર દ્વારા એક સાથે ૪૦૦૦ જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવતા બાકીદારોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.

ગોધરા નગરપાલિકાના ચોપડે કુલ ૩૫ કરોડની વેરા ડિમાન્ડ બોલે છે જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૧૦ કરોડની જ વસૂલાત થઈ શકી છે. ૨૫ કરોડ રૂપિયાનો વેરો બાકી હોવાથી પાલિકાની તિજોરી પર ભારણ વધતા તંત્ર સફાળું જાગ્યું છે. આગામી દિવસોમાં વેરા વસૂલાત માટે ખાસ સ્કોડ બનાવવામાં આવી છે જે અલગ-અલગ ટીમોમાં વિભાજિત થઈને ડોર-ટુ-ડોર વસૂલાત કરશે.


પાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો નોટિસ મળ્યા બાદ નિયત સમયમર્યાદામાં વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો વેરો ન ભરનાર રહીશોના પાણીના જોડાણ (નળ કનેક્શન) તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે. ,દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાકીદારોની મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ અંગે ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ ડી.ટી.એસ., એસ.એ. પઠાણે જણાવ્યું હતું કે, નગરપાલિકા ગોધરાની કુલ ૩૫ કરોડની વેરા ડિમાન્ડ સામે અત્યાર સુધી ૧૦ કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. બાકીના ૨૫ કરોડની વસૂલાત માટે અમે કડક વલણ અપનાવ્યું છે. મોટા બાકીદારો એવા રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસો પાઠવવામાં આવી છે. આ કામગીરી માટે ખાસ સ્કોડની રચના કરાઈ છે. હાલ અંદાજિત ૪૦૦૦ મિલકત ધારકોને ૩ દિવસની મર્યાદા સાથેની નોટિસ અપાઈ છે, જે બાદ મિલકતો સીલ કરવાની અને કનેક્શન કાપવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ પાલિકા વસૂલાત માટે કડક બની છે, ત્યારે બીજી તરફ લોકોમાં એ પણ ચર્ચા છે કે જો વસૂલાતની કામગીરી નિયમિત થતી હોય તો ૨૫ કરોડ જેટલી માતબર રકમ બાકી કઈ રીતે રહી ગઈ? હાલ તો પાલિકાની નોટિસ બાદ બાકીદારોએ વેરો ભરવા દોડધામ શરૂ કરી છે.

Most Popular

To Top