પ્રતિનિધી ગોધરા તા.30
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા મીરપ અને સંતરોડ બજારને જોડતા મુખ્ય માર્ગ પરના કોઝવે (ડીપ નાળા) પર સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ઓવરફ્લો થઈ ગયું છે. આ કોઝવે ગામડી અને મીરપ ગામને જોડે છે, અને તેના પર પાણી ફરી વળતા સ્થાનિક લોકો તેમજ બજાર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ કોઝવે પર પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે હાલમાં તેમાંથી પસાર થવું શક્ય નથી. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. બજાર અને અન્ય કામકાજ માટે અવરજવર કરનારા લોકોને લાંબો રસ્તો ફરીને જવું પડે છે જેનાથી સમય અને શક્તિ બંનેનો વ્યય થઈ રહ્યો છે.

આ જ વિસ્તારમાં સંતરોડ અને મીરપને જોડતો પાનમ નદી પરનો નવો બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. જોકે, આ બ્રિજનું બાંધકામ હજુ પૂર્ણ થયું નથી અને તેને ચાલુ કરવામાં આવ્યો નથી. જેના કારણે વરસાદના સમયમાં લોકોની મુશ્કેલીઓ વધી છે. જો આ બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થઈ જાય અને તેને ચાલુ કરી દેવાય તો લોકોને કોઝવે પરના પાણીના પ્રવાહને કારણે થતી હાલાકીથી છુટકારો મળી શકે છે.સ્થાનિકોની માંગ છે કે સંબંધિત વિભાગ દ્વારા આ બ્રિજનું બાંધકામ જલ્દીથી પૂરું કરીને તેને તાત્કાલિક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે. આ બ્રિજ શરૂ થવાથી માત્ર વરસાદની ઋતુમાં જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન પણ અવરજવર સરળ બનશે અને લોકોને રાહત મળશે.