પ્રતિનિધિ ગોધરા. તા.30
ગોધરા તાલુકાના અમદાવાદ હાઈવે પર આવેલા ડોક્ટરના મુવાડા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો છે. જોકે, આ ડાયવર્ઝન રોડની હાલત અત્યંત ખખડધજ અને ખાડાવાળી હોવાથી વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાયવર્ઝન રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે નાના વાહનો જેવા કે ટુ-વ્હીલર ચાલકો અવારનવાર પડી જાય છે. આ ઉપરાંત, વાહનોના પંચર પડવાના બનાવો પણ સામાન્ય બની ગયા છે. ખાડામાં પડવાથી વાહનોનું બેલેન્સ બગડે છે, જેનાથી અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.

સ્થાનિક લોકો અને નિયમિત અવરજવર કરતા મુસાફરો દ્વારા અનેક વખત રૂબરૂ જઈને રજૂઆતો કરવા છતાં પણ રોડના સમારકામ માટે કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. બંને બાજુ ડાઈવરજન આપી શકાય તેમ હોવા છતાં એક જ બાજુ ડાયવર્ઝન રોડ આપ્યો હોવાથી બકરી અને વાઘ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે અને સાઈડ આપવામાં પણ તકલીફ થાય છે. આ ઓવરબ્રિજનું કામ જે કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે, તેમની દ્વારા પણ આ ડાયવર્ઝન રોડના સમારકામની કોઈ તસ્દી લેવામાં આવી રહી નથી.

આ પરિસ્થિતિને કારણે નિયમિત અવરજવર કરતા કર્મચારીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તાત્કાલિક ધોરણે આ બાબતે પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે. અને જો ટૂંક સમયમાં આ રોડ રીપેર નહીં કરવામાં આવે તો જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અને ગુજરાત સરકારને લેખિત રજૂઆત કરવાનું વિચારી રહ્યા છે.
વાહન ચાલકો અને જનતાની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ડોક્ટરના મુવાડા ખાતેના ડાયવર્ઝન રોડનું સમારકામ કરીને તેને વાહનવ્યવહાર યોગ્ય બનાવવામાં આવે અને યુદ્ધના ધોરણે આ કામ સારી ક્વોલિટી વાળું બનાવી અને બિલકુલ ખાડા ખબચીવાળું ન રહે તેવા ડાયવર્ઝન રોડની ગુણવત્તા જાળવવામાં આવે.