Godhra

ગોધરા: ઉજડિયાના મુવાડા ગામના યુવાનોએ પોતાના ખર્ચે રસ્તા પરનો કાદવ કીચડ દૂર કર્યો

પ્રતિનિધી ગોધરા તા.02
ગોધરા તાલુકાના ઉજડિયાના મુવાડા ગામમાં રસ્તાઓ પર ઠેર ઠેર કાદવ અને કીચડ જામી જવાથી ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યા અંગે ગ્રામજનોએ વારંવાર ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી હતી.પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે, ગામના સભ્ય ભરવાડ ગોપાલભાઈ વિહાભાઈએ આ પરિસ્થિતિનો અંત લાવવાનું બીડું ઝડપ્યું. તેમણે પોતાના ખર્ચે રસ્તો સાફ કરવાનો નિર્ણય લીધો. ગામના અન્ય યુવાનો પણ તેમની મદદે જોડાયા અને સૌએ સાથે મળીને કાદવ અને કીચડ ટ્રેકટર વડે દૂર કર્યું.

આ કામગીરી પાછળનું મુખ્ય કારણ ગણપતિ વિસર્જનનો આગામી કાર્યક્રમ હતો. કાદવ અને કીચડના કારણે ગણેશ વિસર્જનની શોભાયાત્રા કાઢવી મુશ્કેલ બની રહી હતી. જેને લઈ ગ્રામજનોને કોઈ અગવડતા ન પડે અને ગણેશ વિસર્જનનો કાર્યક્રમ સુચારુરૂપે સંપન્ન થાય તે માટે આ યુવાનોએ સ્વયંભૂ આ કામગીરી કરી હતી.

Most Popular

To Top