₹84 લાખના 3 ચોરાયેલા વાહનો સાથે 1 આરોપી ઝડપાયો જયારે 2 વોન્ટેડ જાહેર
ગોધરા: પંચમહાલ-ગોધરા SOG પોલીસે હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાંથી વાહનોની ચોરી કરીને તેના એન્જિન અને ચેસિસ નંબર બદલીને ખોટી નંબર પ્લેટ લગાડી ગુનો આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના એક આરોપી સહીત ત્રણ ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડી ₹84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પંચમહાલ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે SOG પંચમહાલ-ગોધરા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન SOGને બાતમી મળી હતી કે ચિખોદ્રા ગામમાં આવેલા અહમદ ટ્રક પાર્કિંગમાં ત્રણ શંકાસ્પદ વાહનો પાર્ક કરેલા છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ કરતા એક TATA SIGNA મોડલનું ડમ્પર નં. HP-24-E-3888, એક આઇશર નં. RJ-29-GB-1904 અને એક નંબર પ્લેટ વગરનો ટાટા 4830C ટ્રક મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા આ વાહનોના એન્જિન અને ચેસિસ નંબરની તપાસ કરતા તેમાં ચેડાં થયેલાં હોવાનું જણાઈ આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ વાહનો ફેસલ યુસુફ શેખ ઉર્ફે ફેસલ ચંપા રહે. મેદા પ્લોટ, ગોધરા અને રમજાની સુલેમાન મદારા રહે. ઝકરીયા મસ્જીદ, ચેતનદાસ પ્લોટ, ગોધરા દ્વારા પાર્ક કરવામાં આવ્યા હતા. ત્રણેય વાહનોને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા છે.

કબજે કરાયેલા વાહનોની ઝીણવટભરી તપાસ બાદ વિગતો સામે આવી જેમાં HP-24-E-3888 નંબર પ્લેટવાળા TATA SIGNA ડમ્પરનો અસલ નંબર RJ-14-GQ-9899 હતો અને તે રાજસ્થાનના સિકર જિલ્લાના રીંગસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું. RJ-29-GB-1904 નંબર પ્લેટવાળા આઇશરનો અસલ નંબર HR-65-B-2738 હતો અને તે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ઇન્દ્રી રોડ પરથી ચોરાયું હતું. નંબર પ્લેટ વગરના ટાટા 4830C ટ્રકનો વાહન નંબર HR-45-E-7200 હતો અને તે હરિયાણાના કરનાલ જિલ્લાના ગરુંડા ખાતેથી ચોરાયું હતું. જે અંગે સંબંધિત રાજ્યોમાં ફરિયાદો નોંધાયેલી હતી.

આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાંથી વાહન ચોરી કરતા તેનો કલર બદલતા અને તેના એન્જિન તથા ચેસિસ નંબર સાથે ચેડાં કરતા. ત્યારબાદ, તે જ મોડલના અન્ય વાહનોના એન્જિન અને ચેસિસ નંબર ચોરી કરેલા વાહનો પર પ્રિન્ટ કરીને ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ઉપયોગ કરતા હતા. પોલીસે ₹84,00,000/- ની કુલ કિંમતના ત્રણ વાહનો જપ્ત કર્યા છે:
આ ગુનામાં રમજાની સુલેમાન મદારાને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે, ફેસલ યુસુફ શેખ ઉર્ફે ફેસલ ચંપા અને મોહમ્મદ નામનો ઇસમ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.