પ્રતિનિધિ ગોધરા તા.6
ગોધરામાં માર્કેટ યાર્ડમાં અનાજનો વેપાર કરતા વિજયકુમાર જયંતીલાલ પરીખ સાથે રૂ. ૪૦ લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીનો વિશ્વાસ જીતી આરોપીએ જુદા જુદા નામે અંદાજે રૂ. ૪૦ લાખનું ઘઉં, ચોખા અને તુવેરદાળ ઉધારમાં અનાજ ખરીદી કરી હતી.વેપારીને ખોટી સહીઓ કરીને ચેક આપી છેતરપીંડી થતા તેઓએ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૧૯/૦૩/૨૦૨૫ થી તા. ૧૩/૦૬/૨૦૨૫ દરમિયાન વસીમભાઈ યામીનભાઈ હસન નામના વ્યક્તિએ “કોઠી સ્ટીલવાળા ફિરદોશભાઈ કોઠીને ત્યાંથી બોલું છું” એમ કહીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. આ સમયગાળા દરમિયાન આરોપીએ જુદા જુદા નામે અંદાજે ₹ ૪૦ લાખનું ઘઉં, ચોખા અને તુવેરદાળ અનાજ ઉધારમાં ખરીદ્યું હતું. જે બાદ વેપારીએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે સિક્યુરિટી તરીકે એક્સિસ બેંકના ચાર ચેક આપ્યા હતા. જોકે આ ચારેય ચેકમાં એકાઉન્ટ નંબર સરખો હોવા છતાં સહીઓ અલગ-અલગ વ્યક્તિઓની હતી. જ્યારે વેપારીને આ છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેમણે વસીમભાઈ યામીનભાઈ હસન અને તેના મદદગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગોધરા શહેર એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.