Godhra

ગોધરામાં મહિના પહેલા જ બનાવાયેલા રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાયા

1 મેના રાજ્યકક્ષાના કાર્યક્રમ નિમિત્તે તાજેતરમાં જ બનાવવામાં આવેલા આ રસ્તાઓ વરસાદના કહેરથી ધોવાઈ ગયા

પ્રતિનિધિ ગોધરા તા.06

ગોધરા શહેરમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદે જ નવનિર્મિત રસ્તાઓની પોલ ખોલી નાખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 1 મેના રાજ્યકક્ષાના કાર્યક્રમ નિમિત્તે તાજેતરમાં જ બનાવવામાં આવેલા આ રસ્તાઓ વરસાદના કહેરથી ધોવાઈ ગયા અને ઠેર ઠેર ખાડાઓથી શહેરના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાથી દાહોદ રોડ, બામરોલી રોડ, બી.વી. ગાંધી પેટ્રોલ પંપ સામેનો વિસ્તાર, અને જુના બસ સ્ટેન્ડથી બગીચા રોડ સહિત શહેરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં છે. આ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને વાહનો ખાડાઓમાં “ડાન્સ” કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને, ગોધરાથી દાહોદ જતા મુખ્ય માર્ગ સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. જોકે, આ તાત્કાલિક બનેલા રસ્તાઓ ચોમાસાના પ્રથમ વરસાદનો પણ સામનો કરી શક્યા નથી. ભારે વરસાદના કારણે આ નવનિર્મિત રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, અને ઘણી જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું છે.

આના પરિણામે, ગોધરાથી દાહોદ માર્ગ પર અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રસ્તા પરના આ ભયાવહ ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ તોળાઈ રહ્યો છે, અને ભૂતકાળમાં આવા ખાડાઓના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે તંત્ર સમક્ષ વહેલી તકે આ બિસ્માર રસ્તાઓના સમારકામ અને નવીનીકરણની માંગ કરી છે.

Most Popular

To Top