રાત્રે કચરો ઉપાડવા સાધનોના અભાવે સમગ્ર વિસ્તાર નર્કાગાર
પ્રતિનિધિ ગોધરા તા.05
ગોધરા નગરપાલિકા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાક માર્કેટ અને નાગરિક સુવિધા કેન્દ્રમાં સફાઈ વ્યવસ્થા સાવ કથળી ગઈ છે. રાત્રિ સફાઈના નામે માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાથી વેપારીઓ અને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સ્થાનિક વેપારી અનિલ કુમાર સુખવાણીના જણાવ્યા અનુસાર, પાલિકાના સફાઈ કામદારો રાત્રે સફાઈ કરવા આવે તો છે પરંતુ તેમને કચરો લઈ જવા માટે ટ્રેક્ટર કે વાહન ફાળવવામાં આવતું નથી. પરિણામે, કામદારો કચરો વાળીને દુકાનોની આગળ જ મોટા ઢગલા કરી દે છે. વેપારીઓ વહેલી સવારે ૩:૦૦ વાગ્યે જ્યારે ધંધાર્થે દુકાન ખોલે છે ત્યારે દુકાન આગળ જ ગંદકી જોવા મળે છે. પાલિકાની કચરાની ગાડી બીજા દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે આવે છે ત્યાં સુધી વેપારીઓએ નાછૂટકે ગંદકી અને દુર્ગંધ વચ્ચે બેસવું પડે છે.
વેપારીઓએ અને લારીઓ વાળાએ આ અંગે પાલિકાના ઝોન સેનેટરી ઇન્પેક્ટર અને અધિકારીને પણ રજૂઆત કરી હતી. પરંતુ એક છોડી બીજા દિવસે સફાઈ કમૅચારીઓ રાત્રે આવે છે .વેપારીઓનું કહેવું છે કે તેઓ ડસ્ટબીન રાખે છે. જે લોકો ડસ્ટબિન રાખતા નથી તેઓ રસ્તા ઉપર કચરો નાખી દે છે અને ફેલાયેલો કચરો તેમની દુકાનો આગળ ખડકી દેવામાં આવે છે. સફાઈ કામદારો પણ સાધનોના અભાવે લાચાર છે.શાક માર્કેટના વેપારીઓએ માંગ કરી છે કે રાત્રિ સફાઈ દરમિયાન કર્મચારીઓને ઓછામાં ઓછું એક કલાક માટે ટ્રેક્ટર ફાળવવામાં આવે જેથી કચરો ત્યાં ને ત્યાં પડી ન રહે. ઉપરાંત, ઝોન ઇન્સ્પેક્ટર અને સુપરવાઈઝર દ્વારા નિયમિત સ્થળ મુલાકાત લઈ વાસ્તવિક અહેવાલ તૈયાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ સ્થળે ટ્રાફિક પોઇન્ટ અને પોલીસ પોઇન્ટ મૂકવામાં આવે તેવી પણ નગરજનોની લાગણી અને માંગણી છે.