બી.વી. ગાંધી પેટ્રોલ પંપ પાસેના રોડ પર ખાડા અને કાદવથી વાહનચાલકો પરેશાન
ફિટ ઈન્ડિયા સાયકલ રેલી બાદ સમારકામની રાહ
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં વરસાદે લાંબા સમયનો વિરામ લીધા બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા જેના પરિણામે મોટા ખાડાઓ પડી ગયા છે. ગોધરા શહેરથી દાહોદ રોડ પર આવેલા બી.વી. ગાંધી પેટ્રોલ પંપ સામેનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. અહીં વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે અને કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાયું છે. આ માર્ગ પર વાહનોનો ઘસારો સૌથી વધુ રહે છે જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બિસ્માર રસ્તાઓને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ વારંવાર સર્જાય છે.
ખાસ વાત એ છે કે, આ માર્ગ ઉપર ગઈ કાલે ‘ફિટ ઈન્ડિયા’ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન થયું હતું, જેમાં અધિકારીઓ પણ આ જ માર્ગ પરથી પસાર થયા હતા. તેમ છતાં, રસ્તાની હાલત સુધારવા માટે કોઈ પગલાં લેવાયા નથી.
સ્થાનિક લોકો, રાહદારીઓ અને વાહનચાલકો આ મસમોટા ખાડાઓ અને કાદવના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માગ કરી રહ્યા છે.