ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દરૂણિયા ગામના લોકોએ વીજળીની અવારનવાર થતી સમસ્યાથી કંટાળીને ગોધરા MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. મોડી રાત્રે મોટી સંખ્યામાં ગામના લોકો કચેરીએ પહોંચ્યા અને છાતી કૂટીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દરૂણિયા ગામમાં છેલ્લા 35 વર્ષથી તહેવારોના સમયે વીજળીની સમસ્યા યથાવત રહે છે. જ્યારે પણ વીજળી જાય છે અને લોકો રજૂઆત કરવા જાય છે ત્યારે તેમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. ગામના લોકોએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ તેમની રજૂઆતને ગંભીરતાથી લેતા નથી અને ઉલટાનું અપશબ્દો બોલીને તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે. આ પ્રકારના વર્તનથી કંટાળીને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો.
હાલમાં નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો જેને અને ફરી અનિયમિત વીજળી થતા ગામના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. અગાઉ પણ તહેવારો દરમિયાન વીજળી કપાઈ જવાના કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આ જ કારણોસર, ગામના સરપંચની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોએ મોડી રાત્રે ગોધરા MGVCL કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, MGVCL કચેરી બહાર ઊભેલા લોકોએ વીજળીના અભાવને કારણે પોતાના જીવનમાં આવેલા અંધકારનો અનુભવ વ્યક્ત કરવા માટે છાતી કૂટીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અનોખા વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન ખેંચવાનો અને તેમને ગામની સમસ્યાની ગંભીરતાનો અહેસાસ કરાવ્યો હતો.
ગામના લોકોએ MGVCL કચેરીને તાત્કાલિક ધોરણે દરૂણિયા ગામમાં નિયમિત વીજળી પુરવઠો પૂરો પાડવા માટે માંગણી કરી જેથી આગામી તહેવારો અને રોજિંદા જીવનમાં વીજળીની સમસ્યાનો અંત આવે.