પ્રતિનિધિ, ગોધરા તા. 24
ગોધરા સ્થિત ડિવાઇન વર્ડ કિન્ડર ગાર્ડન સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરી—પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં જુનિયર અને સિનિયર કેજીના નાનાં ભૂલકાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તિરંગા થીમ આધારિત વેશભૂષા ધારણ કરી દેશભક્તિ ગીતો પર મનોહર નૃત્ય રજૂ કરીને સમગ્ર વાતાવરણને દેશપ્રેમથી સરોબર કરી દીધું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યોગેશભાઈ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ યોગેશભાઈ પાટીલ, શાળાના બ્રધર કિશોર તથા સિસ્ટર જોયેશના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા કરાટેના કરતબ રહ્યા હતા. કરાટેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમનો આત્મવિશ્વાસ વધે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના જુનિયર અને સિનિયર કેજીના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની પ્રતિભાને ખુલ્લા દિલે બિરદાવી હતી.