Godhra

ગોધરામાં ‘આપ’ના યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાયા

ગોધરા વૈજનાથ સોસાયટીના બંધ મકાનમાં જુગાર રમતા 7 જુગારીયાઓને ઝડપી ₹1.40 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો

અઠવાડિયા પહેલાં જ જુગારના અડ્ડા બંધ કરાવવા આપ્યું હતું આવેદનપત્ર


ગોધરા: ગોધરાના વૈજનાથ સોસાયટીના એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દરોડો પાડી કુલ 7 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા. આ જુગારીયાઓમાં આમ આદમી પાર્ટી (AAP)ના પંચમહાલ જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારનો પણ સમાવેશ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે આશિષ કામદારે માત્ર એક અઠવાડિયા પહેલાં જ જિલ્લામાં જુગારના અડ્ડા અને ઓનલાઈન સટ્ટા બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે LCB ગોધરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. LCBના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીનને મળેલી ગુપ્ત બાતમીના આધારે વૈજનાથ સોસાયટીના મકાન નંબર 07 માં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. શર્મા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન, જીગરભાઈ ગોવિંદભાઈ શાહ, ધર્મેન્દ્ર વિનોદભાઈ ગોસાઈ, અશ્વિન રામગીરી ગોસ્વામી, વિજયભાઈ રમેશભાઈ પટેલ, મહેશભાઈ કનુભાઈ પટેલ, વિક્રમભાઈ નરસિંહભાઈ વણઝારા અને આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષભાઈ અનિલભાઈ કામદાર સહિત કુલ 7 ઈસમો ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને અન્ય સાધનો મળી કુલ ₹ ૧,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ‘આપ’ના જિલ્લા યુવા પ્રમુખની બેવડી નીતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. જે વ્યક્તિ જાતે જુગારના અડ્ડા બંધ કરાવવા માંગણી કરતો હોય તે જ વ્યક્તિ જુગાર રમતા ઝડપાતા લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી જોવા મળી રહી છે.

Most Popular

To Top