Godhra

ગોધરામાં આડા સંબંધની શંકામાં પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી

ગોધરા: ગોધરાના દાહોદ રોડ પર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પતિને તેની પત્નીના અન્ય પુરુષ સાથેના આડાસંબંધની શંકા હતી, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

મૃતક મહિલા, વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી (ઉં.વ. આશરે 40) તેમના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.


પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે વિદ્યાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ ખુલાસા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે વિદ્યાબેનના પતિ સુનિલકુમાર ચંદવાણીને તેમની પત્ની પર શંકા હતી, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. આ ઝઘડા દરમિયાન આવેશમાં આવીને સુનિલકુમારે વિદ્યાબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે આ મામલે સુનિલકુમાર ચંદવાણી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી હત્યા સંબંધિત વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર શાંતિ પ્રકાશ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

Most Popular

To Top