Godhra

ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ


નિયમિત વેરો ભરવા છતાં પાયાની સુવિધાથી વંચિત રહીશો

(પ્રતિનિધિ) ગોધરા, તા.15
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારના સાંપારોડ પર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો છેલ્લા ૧૫ વર્ષથી પાકા રસ્તા જેવી પાયાની સુવિધા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સોસાયટીના રહીશો નિયમિત રીતે નગરપાલિકામાં તમામ પ્રકારના વેરા ભરે છે, છતાં આજદિન સુધી અહીં રસ્તાની કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

મુખ્ય રસ્તો અત્યંત બિસમાર હાલતમાં

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીના મુખ્ય રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને રસ્તો અત્યંત બિસમાર હાલતમાં છે. ચોમાસાના દિવસોમાં અહીંથી પસાર થવું અતિ મુશ્કેલ બની જાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

અકસ્માતનો સતત ભય

રસ્તા પરના ખાડાઓ અને અડચણરૂપ દબાણોના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થવાનો ભય રહેલો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દ્વિચક્ર વાહનચાલકો માટે આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે.

નવી સોસાયટીઓને સુવિધા, જૂની સોસાયટી અવગણાયેલી

રહીશોમાં એવી લાગણી છે કે સિદ્ધિવિનાયક સોસાયટી બાદ બનેલી નવી સોસાયટીઓમાં રસ્તા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યારે ૧૫ વર્ષ જૂની આ સોસાયટીના રહીશો આજે પણ કાચા અને તૂટેલા રસ્તા પર ચાલવા મજબૂર છે.

૨૦૧૫થી રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં

સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૫થી સંબંધિત તંત્ર અને નગરપાલિકામાં લેખિત તથા મૌખિક રીતે અનેક વખત રજૂઆતો કરી છે. રસ્તા પરના અડચણરૂપ દબાણો દૂર કરવા અને નવો રોડ બનાવવા માટે વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ઉપવાસ આંદોલનની ચીમકી

લાંબા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલા સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશોએ સત્વરે રસ્તાની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. જો નજીકના સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top