ABVPએ કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
પરિક્ષાના 45 દિવસ બાદ પણ પરિણામો જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં રોષ
પ્રતિનિધિ ગોધરા તા.3
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પરીક્ષાના પરિણામોમાં થઈ રહેલા વિલંબ અને વિદ્યાર્થીઓને પડતી માળખાગત અસુવિધાઓ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સામાન્ય રીતે 15 દિવસમાં જાહેર થતા પરિણામો મહિનાઓ સુધી અટવાયેલા રહેતા વિદ્યાર્થી સંગઠને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી દ્વારા લેવાયેલી B.A., B.Com, B.B.A. સહિતના સેમેસ્ટર-5ના વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા પૂર્ણ થયાને 45 દિવસથી વધુ સમય વીતી ગયો છે. તેવી જ રીતે સેમેસ્ટર-3 ના અનુસ્નાતક અભ્યાસક્રમો M.A., M.Sc, M.Com વગેરે ની પરીક્ષાને પણ 30 દિવસથી વધુ સમય થયો હોવા છતાં પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. સમયસર પરિણામ ન મળવાને કારણે વિદ્યાર્થીઓની કારકિર્દી અને આગળના અભ્યાસ પર જોખમ તોળાઈ રહ્યું છે. પરિણામો ઉપરાંત વિદ્યાર્થીઓએ પરિવહનની સમસ્યા અંગે પણ રોષ વ્યક્ત કર્યો છે. અનેક વિદ્યાર્થીઓ 50 કિમી દૂરથી અભ્યાસ માટે આવે છે પરંતુ પૂરતી બસ વ્યવસ્થાના અભાવે તેમને વેગનપુર ચોકડીથી 2 કિમી જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. આ સાથે જ ડિગ્રી સર્ટિફિકેટની ફીમાં પણ ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે.

ABVP પંચમહાલ જિલ્લા સંયોજક હર્ષ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો યુનિવર્સિટી સત્વરે પરિણામો જાહેર નહીં કરે અને ટ્રાન્સપોર્ટેશન જેવી પાયાની સુવિધાઓમાં સુધારો નહીં લાવે, તો આગામી દિવસોમાં વિદ્યાર્થી હિતમાં યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.