વિદ્યાર્થીઓએ બાળકો સાથે સમય વિતાવી ભેટ વિતરણ કરી સામાજિક સંવેદના વ્યક્ત કરી
પ્રતિનિધિ | ગોધરા | તા. 22
ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગોવિંદજી રોડ પર આવેલા ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજની પરંપરા મુજબ NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકો સાથે સમય વિતાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ બાળકોની રહેણી-કરણી, જીવનચર્યા અને દૈનિક પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. સાથે જ બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી ચોકલેટ, મીઠાઈ અને અન્ય ભેટ-સોગાદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અધિક્ષકનું ભાવપૂર્વક સ્વાગત
આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સ દ્વારા ચિલ્ડ્રન હોમના અધિક્ષક ઇલેશભાઈ બારીયાનું કુમકુમ તિલક કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ કોલેજની નજીક આવેલા 0 થી 5 વર્ષના બાળકો માટેના ચિલ્ડ્રન હોમની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાંના મેનેજર ઇલાબેન જોશીની સેવાભાવી કામગીરીને વિદ્યાર્થીઓએ બિરદાવી હતી. નાનકડા ભૂલકાઓને મળીને વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ભાવવિભોર બન્યા હતા.
આયોજન અને માર્ગદર્શન
આ સમગ્ર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂપેશ એન. નાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંયોજન ઇતિહાસ વિભાગના અધ્યાપક અને NSS પ્રોગ્રામ ઓફિસર ડો. ગૌતમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. એમ. બી. પટેલએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.