ઓવરબ્રિજનું કામ અને હંગામી બસ સ્ટેશન બન્યા મુશ્કેલીનું કારણ
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દિનપ્રતિદિન વકરતી જતી ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. હાલ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે ગોધરાના લાલબાગ ખાતે આવેલ એ.ટી. બસ સ્ટેન્ડને ભૂરાવાવ ખાતે હંગામી ધોરણે ખસેડવામાં આવ્યું છે. જોકે, આ હંગામી વ્યવસ્થા જ હવે નવી ટ્રાફિક સમસ્યાઓનું મૂળ બની રહી છે, જેના કારણે ભૂરાવાવ વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભૂરાવાવ ખાતેના આ હંગામી એસ.ટી. બસ સ્ટેશન પર મુસાફરી કરવા આવતા લોકોની અવરજવરને કારણે રિક્ષાચાલકો તેમજ ખાનગી વાહનોનો ધસારો સતત વધતો રહે છે. આ ઉપરાંત, આ માર્ગ અમદાવાદ – શહેરા – લુણાવાડા – દાહોદ બાયપાસને જોડતા મુખ્ય માર્ગો પૈકી એક હોવાથી અહીં બસોની અવરજવર પણ મોટા પ્રમાણમાં રહે છે. આ બધા પરિબળોના કારણે ભૂરાવાવ ચોકડી પાસે વાહનોની મોટી કતારો જોવા મળે છે, જેના પરિણામે લાંબો ટ્રાફિક જામ થાય છે.
તાજેતરમાં જ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે ભૂરાવાવ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં, બસ સ્ટેશનથી ભૂરાવાવ, શહેરા મુખ્ય માર્ગ તેમજ ગોધરા શહેરથી આવતો ભૂરાવાવ બ્રિજ ઉપર વાહનોની મોટી લાઈનો લાગતી હોય છે. આના કારણે લોકોને નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી શકાતું નથી. ઘણીવાર આ સમસ્યાઓને કારણે તેમની બસ છૂટી જતી હોય છે, જેનાથી તેમને સમય અને નાણાં બંનેનું નુકસાન થાય છે. સ્થાનિક નાગરિકોના મતે, આ ટ્રાફિક સમસ્યા દૈનિક ધોરણે તેમના જીવનને અસર કરી રહી છે અને તેઓ તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગોધરાના નાગરિકો અને વાહનચાલકો આ ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે.