Panchmahal

ગોધરાના ભામૈયા ગામે મંદિરમાં શિવ પાર્વતીની મૂર્તિ ખંડિત કરાઈ

સવારે જ્યારે બાળકો દર્શન કરવા આવ્યા ત્યારે જોયું કે મંદિરનું તાળું તૂટેલું હતું અને બધુ અવ્યવસ્થિત પડેલું હતું

બે ઇસમો મંદિર પાસે લગાવેલા સીસીટીવીમાં કેદ થયા

ગોધરા: અસામાજિક તત્વો દ્વારા 100 વર્ષ જૂના શિવ-પાર્વતી મંદિરમાં ઘુસીને શિવ પાર્વતીની મૂર્તિને ખંડિત કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મૂર્તિ ખંડિત થઈ હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે બે ઇસમો મંદિર પાસે લગાવેલા સીસીટીવીમાં કેદ થયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.


ગોધરા તાલુકાના ભામૈયા ગામ પ્રાથમિક શાળાની સામે રંગેશ્વર મહાદેવ મંદિરમાં સવારના સમયમાં ગ્રામજનો દર્શન કરવા પહોંચે તે સમયે મંદિરનું તાળું તૂટેલું જોતા અને અંદર પ્રવેશતા પૂજાપાનો સામાન તેમજ મૂર્તિઓ ખંડિત કરેલી અવસ્થામાં જોવા મળી હતી. જેને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સમગ્ર મામલાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ગોધરા ડીવાયએસપી એન.વી. પટેલ બી ડિવિઝન પી.આઇ. આર. કે. રાજપુત , એલસીબી પી.આઇ. એન. એલ. દેસાઈ, એસઓજી પીઆઈ આર. એ. પટેલ સહિતના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા છે હાલ તો પોલીસ તંત્ર દ્વારા મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..

સ્થાનિક ગ્રામજન ગજેન્દ્રસિંહ ઠાકોરે કહ્યું કે ભૌમેયા ગામમાં સો વર્ષ જૂનું શિવ-પાર્વતીનું મંદિર આવેલું છે અને આસપાસના ગામના લોકો દર્શન કરવા આવે છે. સવારે જ્યારે બાળકો દર્શન કરવા આવ્યા ત્યારે જોયું કે મંદિરનું તાળું તૂટેલું હતું અને બધુ અવ્યવસ્થિત પડેલું હતું અને માતાજીની મૂર્તિ તોડી નાખવામાં આવી છે. અમારી રજૂઆત છે કે આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.

Most Popular

To Top