અસામાજિક તત્વો સામે ગ્રામજનોમાં રોષ
પીવાના પાણીની ટાંકી નજીક જ માંસનો જથ્થો ફેંકી પશુઓ અને માનવ આરોગ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ
પ્રતિનિધિ ગોધરા તા.02
પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર સ્થિત ભામૈયા પશ્ચિમ ગામમાં વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ માંસ ભરેલા અંદાજે 40 જેટલા થેલા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અસામાજિક તત્વો દ્વારા સામાજિક શાંતિ ડહોળવાના ઈરાદે આ કૃત્ય કરાયું હોવાની શંકા સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગોધરા બી-ડિવિઝન પોલીસ અને નગરપાલિકાની ટીમ તપાસમાં જોતરાઈ છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અજાણ્યા ઈસમોએ રાત્રિના અંધકારનો લાભ લઈ માંસનો આ જથ્થો તળાવમાં પધરાવી દીધો હતો. આ ઘટનાને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે, ગામના દુધાળા પશુઓ આ જ તળાવનું પાણી પીવે છે તળાવની એકદમ નજીક જ ગામને પીવાનું પાણી પૂરું પાડતી વોટર વર્ક્સની ટાંકી આવેલી છે.

આ સમગ્ર ઘટના બનતા સમગ્ર ગામ લોકો પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ માત્ર પર્યાવરણીય પ્રદૂષણનો મુદ્દો નથી પરંતુ ગોધરા અને સમગ્ર જિલ્લાની કોમી એકતા અને શાંતિ ભંગ કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર હોઈ શકે છે. અગાઉ પણ ગામના મંદિર પાસે અણછાજતું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ યાદ અપાવ્યું હતું.માંસનો જથ્થો મળ્યાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ વણસે તે પહેલા ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી તળાવમાં ફેંકાયેલા થેલાઓને બહાર કાઢવાની અને તે વિસ્તારને જંતુમુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હાલમાં પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોના આધારે આ અમાનવીય કૃત્ય કરનારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર: આશિષ બારીયા