પ્રતિનિધિ, ગોધરા
ગોધરા શહેરના પરવડી બાયપાસ રોડ પર આજરોજ અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી સિમેન્ટની ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને રોડ કિનારે આવેલા બે રહેણાંક મકાનોમાં ઘૂસી ગઈ હતી.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકની ટક્કરથી એક મકાનના બહારના ભાગે દિવાલ અને પતરાં તૂટી ગયા હતા અને સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટના સમયે પરિવારજનો ઘરમાં હતા કે કેમ તે અંગે પ્રાથમિક વિગતો મળી નથી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, મકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પરવડી બાયપાસ રોડ હવે અકસ્માત માટે કુખ્યાત બની રહ્યો છે. અહીં અવારનવાર વાહનચાલકો કાબૂ ગુમાવતા હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાય છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભય સાથે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો અકસ્માતગ્રસ્ત ટ્રક અને મકાનની હાલત જોઈને અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

રિપોર્ટર: આશિષ બારીયા