Godhra

ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત

પ્રતિનિધિ ગોધરા તા.23

ગોધરા તાલુકાના પરવડી ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ટ્રક પર તાડપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનનો સંપર્ક થતાં ટ્રક કંડક્ટરનું વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ જૂનાગઢના માંગરોળના રહેવાસી ઈસ્માઈલભાઈ યુસુફભાઈ મહીદા ટ્રક નંબર GJ-31-T-8238 પર કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે બપોરના સુમારે ગોધરાના પરવડી ગામે આવેલી આધ્યશક્તિ આટામેદો કંપની પાસે તેઓ પોતાની ટ્રક પર તાડપત્રી બાંધી રહ્યા હતા. તે દરમિયાન ટ્રકની ઉપરથી પસાર થતો 3 ફેઝનો જીવંત હાઈ ટેન્શન વાયર અચાનક તેમના સંપર્કમાં આવ્યો હતો.

વીજ પ્રવાહ એટલો ખતરનાક હતો કે ઈસ્માઈલભાઈને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેમણે પહેરેલા કપડાંમાં પણ આગ લાગી ગઈ હતી. ગંભીર રીતે દાઝી જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ અંગે ટ્રક ડ્રાઈવર અરજણભાઈ કરમટાએ ગોધરા તાલુકા પોલીસને જાણ કરી હતી. ગોધરા તાલુકા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી, મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top