Godhra

ગોધરાના કાંકણપુર-રામપુરાને જોડતો મહિયો નદી પરનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો

લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુરથી વેગનપુર-રામપુરા-ટુવાને જોડતો મહિયો નદી પર આવેલો બ્રિજ વાહનવ્યવહાર અને અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનો દ્વારા વારંવાર તેનું સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અને લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા રાજ્યભરના જર્જરિત પુલો લોકોની સલામતી માટે બંધ કરવાની ઝુંબેશ અંતર્ગત આ બ્રિજને પણ જાહેરનામું બહાર પાડીને બ્રિજને બંધ કરાયો છે.

આ બ્રિજના સમારકામની કામગીરી શરૂ થઇ હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે જેમાં લોકોને જે કાંકણપુરથી ટીંબાની મુવાડી થઈ વિંઝોલવાળા માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે વાપરવા જણાવાયું છે. આ બ્રિજ બંધ થવાથી સ્થાનિક રહીશોને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કાંકણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓ, શાળા-કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને ધંધા-વેપાર તથા નોકરી માટે અવરજવર કરતા વર્ગને હવે લાંબુ અંતર કાપીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top