Godhra

ગોધરાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પી.આઈ તરીકે ફરજ બજાવતા એસ. એલ. કામોળની મહિસાગર જિલ્લામાં બદલી

પ્રતિનિધિ ગોધરા તા.26

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તાજેતરમાં પીએસઆઈમાંથી પીઆઇ તરીકે હંગામી ધોરણે બઢતી પામેલા અધિકારીઓના નવા પોસ્ટિંગના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સામુહિક બદલીઓના આદેશ અંતર્ગત ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા સતિષકુમાર લીમજીભાઇ કામોળને પંચમહાલથી પાડોશી જિલ્લા મહિસાગર ખાતે મુકવામાં આવ્યા છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એલ. કામોળ શહેરા પોલીસ સ્ટેશનમાંથી બદલી પામીને જુલાઈ 2025માં કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે હાજર થયા હતા. કાંકણપુરમાં તેઓએ ચાર્જ સંભાળ્યા બાદ વિસ્તારમાં ગુનાખોરીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે સાથે સ્થાનિકોના પ્રશ્નો અને ફરિયાદોનો ખૂબ જ ઝડપી અને સંતોષકારક રીતે નિકાલ કરવામાં આવતો હતો. તેમની આ ત્વરિત અને ન્યાયી કાર્યશૈલીને કારણે તેઓ સ્થાનિક પ્રજામાં ભારે લોકપ્રિય બન્યા હતા.

કાંકણપુર પોલીસ સ્ટેશનમાં તેમના આ કાર્યકાળ દરમિયાન બજાવેલી ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કામગીરીની ઉચ્ચ કક્ષાએ પણ નોંધ લેવામાં આવી હતી. તેમની આ પ્રશંસનીય કામગીરી બદલ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) ડૉ. હરેશ દુધાત દ્વારા તેમને વિશેષ પ્રશંસા પત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એક બાહોશ અને પ્રજાલક્ષી અધિકારી તરીકે કાંકણપુર વિસ્તારમાં તેમણે આપેલી સેવાઓ અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે સ્થાનિક લોકો પીઆઇ એસ. એલ. કામોળની ફરજને હંમેશા યાદ રાખશે.

Most Popular

To Top