પ્રતિનિધિ ગોધરા તા.29
ગોધરા તાલુકાના કાંકણપુર નજીક આવેલા રઘાના મુવાડા ગામમાં વીજ કરંટ લાગવાથી એક ભેંસનું મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રઘાના મુવાડા ગામના પશુપાલક પોતાની ભેંસો ચરાવવા જઈ રહ્યા હતા. તે સમયે એક ભેંસ અચાનક વીજ ડીપી તરફ જતી રહી હતી અને તેને વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો.

ઘટના બાદ MGVCL ના કર્મચારીઓ દ્વારા સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું. આ ભેંસ પર નિર્ભર પરિવારો માટે આર્થિક સંકટ ઊભું થતાં પશુ માલિક કિરણભાઈ પરમારે વળતરની માંગ કરી છે. આ અંગે તેમણે કાંકણપુર પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી છે.
આ ઘટના બનતા ગામના સરપંચ દોડી આવ્યા હતા અને ગ્રામજનોને પશુઓનો વીમો લેવાની સલાહ આપી હતી જેથી આવી કોઈ ઘટના બને તો પશુપાલકોને આર્થિક મદદ મળી શકે. આ ડીપીની બાજુમાં અડીને પ્રાથમિક શાળા હોવાથી લોકોએ ત્યાં જાળી નાખવાની લોકોએ માંગણી કરી છે જેથી અન્ય કોઈ વ્યક્તિને નુકસાન ન થાય.