પ્રતિનિધિ ગોધરા તા.10
ગોધરા તાલુકાના કાંકણપુર ગામના ભોઈવાળા અને પારેખ ફળિયાના રહેવાસીઓ હાલમાં કાદવ, કીચડ અને કચરાના ઢગલાથી ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.ચોમાસાના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

કાંકણપુર ગામમાં આવેલા અનેક ફળિયાઓ પૈકી પારેખ ફળિયું અને ભોઈ ફળિયું મોટી વસ્તી ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી પડેલા વરસાદને કારણે આ ફળિયાઓના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેને પરિણામે પુષ્કળ પ્રમાણમાં કાદવ અને કીચડ જામી ગયો છે. આ કાદવ-કીચડના કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, વડીલો અને વાહનચાલકોને આ સમસ્યાનો દરરોજ સામનો કરવો પડે છે.
વરસાદી પાણી ભરાવા ઉપરાંત, આસપાસની ખુલ્લી જગ્યાઓમાં પણ પાણી ભરાઈ રહે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો ગયો છે.
આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે, ભોઈવાળા અને પારેખ ફળિયાના ગ્રામજનોએ કાંકણપુર ગ્રામપંચાયતના વહીવટદાર તલાટી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે આ રસ્તાઓ પર ડસ્ટ માટી નાખીને કાદવ-કીચડ દૂર કરવા અને અવરજવર સુગમ બનાવવા માટે વિનંતી કરી છે.
ગ્રામજનોની અપેક્ષા છે કે ગ્રામપંચાયત તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ વહેલી તકે પગલાં ભરે, જેથી તેઓ કાદવ-કીચડ અને ગંદકીના ત્રાસમાંથી મુક્તી મળી શકે.