Vadodara

ગોત્રી હોસ્પિટલ ‘રામ ભરોસે’: ગંભીર દર્દીને 5 કલાક તડપતો રાખ્યા બાદ સારવાર આપવાનો ઈનકાર

આણંદથી સારવાર માટે આવેલા દર્દીનો આક્રોશ: “મધરાતે 1 વાગ્યે હવે અમે ક્યાં જઈએ? વહેલા કીધું હોત તો ખાનગીમાં જાત!”

આરોગ્ય મંત્રી આ હોસ્પિટલની મુલાકાત લે તો જ તંત્ર સુધરે તેવી પેશન્ટની ઉગ્ર માંગ

વડોદરા : શહેરની જાણીતી ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે. દૂર-દૂરથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જ્યાં આશા સાથે સારવાર માટે આવે છે, ત્યાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બોરસદથી પેટની ગંભીર તકલીફ સાથે આવેલા એક દર્દીને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ ડોક્ટરોએ સારવાર આપવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ધર્મજ પાસેના ધોરકુઈ ગામના રહેવાસી નરેન્દ્રભાઈ બાબુભાઈ પરમારને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઉલટીની ગંભીર સમસ્યા હતી. સારવાર માટે તેઓ રાત્રે આઠ વાગ્યે વડોદરાની ગોત્રી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં પહોંચ્યા હતા. દર્દીના જણાવ્યા અનુસાર, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પાંચ કલાક સુધી ત્યાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.

પરંતુ, જ્યારે મધરાતે એક વાગ્યો ત્યારે ફરજ પરના ડોક્ટરોએ અચાનક એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે, ‘અત્યારે અહીં પેટના કોઈ ડોક્ટર હાજર નથી.’ આ સાંભળીને દર્દી અને તેમના સગા ચોંકી ઉઠ્યા હતા.
સ્થાનિકો અને દર્દીઓમાં એવી ચર્ચા છે કે હોસ્પિટલના ડોક્ટરો માત્ર પગાર લેવામાં જ મસ્ત છે અને પેશન્ટની સંવેદના સાથે તેમને કોઈ લેવાદેવા નથી. પીડિત દર્દીએ એવી પણ માંગ કરી છે કે આરોગ્ય મંત્રી કે મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લઈ આ હોસ્પિટલના કથળેલા તંત્રને સુધારવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ગરીબ દર્દીને આવી હાલાકી ભોગવવી ન પડે.
દર્દીની વ્યથા અને આક્રોશ…
પીડિત દર્દી નરેન્દ્રભાઈએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, “મને દર 10 મિનિટે ઝાડા-ઉલટી થઈ રહ્યા છે, મારી હાલત ખૂબ ખરાબ છે. જો હોસ્પિટલમાં પેટના ડોક્ટર નહોતા, તો અમને આઠ વાગ્યે જ કેમ ન કીધું? જો વહેલી ખબર પડી હોત તો અમે સમયસર કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈને સારવાર કરાવી શક્યા હોત. હવે રાત્રે દોઢ વાગ્યે આ અજાણ્યા શહેરમાં અમે ક્યાં જઈએ?”
:- તંત્ર સામે ઉઠ્યા સવાલો…
આ ઘટનાને પગલે ગોત્રી હોસ્પિટલના વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
1.જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હાજર ન હોય તો દર્દીને પાંચ કલાક સુધી કેમ અંધારામાં રાખવામાં આવ્યા?
2.આટલી મોટી સરકારી હોસ્પિટલમાં રાત્રિના સમયે ઇમરજન્સી સેવાઓ કેમ રામ ભરોસે છે?

Most Popular

To Top