બળજબરીપૂર્વક હોસ્પિટલના છત પર લઇ જઇ શારીરિક અડપલા પણ કર્યા
કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ, આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ
(પ્રતિનિધિ) વડોદરા તા.17
મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને ગોત્રી સરકારી હોસ્પિટલમાં પ્રેકિટસ કરતા તબીબે જુનિયર વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક હોસ્પિટલના છત પર લઇ ગયો હતો. તબીબે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા બાદ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ પણ આચર્યું હતું. કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા વિદ્યાર્થિનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સિનિયર તબીબની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલમાં મેડિકલમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ પ્રેક્ટિસનર તબીબ તરીકે કામ કરતા હોય છે. પરંતુ ઘણા સિનિયર તબીબો તેમના જુનિયર ડોક્ટર સાથે રેગિંગ કરતા હોવાના કિસ્સા બની ચૂક્યા છે. ત્યારે ગોત્રીની સરકારી હોસ્પિટલમાં એક ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ ગાંધીનગરનો નિર્ભય પ્રકાશ જોષી મેડિકલના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહી વિદ્યાર્થી ગોત્રી હોસ્પિટલમાં તબીબી પ્રેકિટસ પણ કરે છે. તેની સાથે હોસ્ટેલમાં રહેતી અને મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પણ ત્યાં તબીબી પ્રેકિટસ માટે હોસ્પિટલમાં આવતી હતી. નિર્ભય જોષી યુવતીનો સિનિયર થતો હોવાના કારણે અવારનવાર યુવતી તેની પાસે ગાઇડન્સ મેળવવા માટે જતી હતી. વારંવાર તબીબી વિષય બાબતે પૂછપરછ કરતી રહેતી હતી. આ નિર્ભય જોષી યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યો હતો. દરમિયાન બે દિવસ પહેલા યુવક યુવતીને હોસ્પિટલના છત પર લઇ ગયો હતો અને જબરદસ્તી કરી શારીરિક અડપલા કરવા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખશી તેવી ધમકી પણ આપી હતી. જેથી યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ગોત્રી હોસ્પિટલમાં શિખાઉ ડોક્ટર દ્વારા જુનિયર તબીબ વિદ્યાર્થિની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્યુ
By
Posted on