*
*બાળકીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રિપોર્ટ આવતા પાંચથી છ દિવસ થાય છે*
*ઝડપભેર ફેલાઇ રહેલા ચાંદીપુરા વાયરસને પગલે શહેરના આરોગ્ય વિભાગને સતર્ક કરાયું*
(પ્રતિનિધિ) વડોદરા તા. 20
*શહેરના ગોત્રી વિસ્તારની ગાયત્રી સ્કૂલ ની બાજુમાં આવેલા મહાલક્ષ્મીનગરમા પરિવાર સાથે રહેતી ચાર વર્ષીય બાળકી ધૃતિ પરમારને બે દિવસ પહેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે શહેરના સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પિડિયાટ્રિક વિભાગમાં પીઆઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જ્યારે શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણોને કારણે સૌ પ્રથમ મૃત્યુ નોંધાતાં સમગ્ર શહેરમાં ચિંતા સાથે ભયનું વાતાવરણ સર્જાયું છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકીના ઘરની આસપાસ તપાસ હાથ ધરાઇ છે. પાલિકા તંત્ર સહિત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે હોસ્પિટલ સતાધીશોના જણાવ્યા અનુસાર હજી સુધી બાળકીનો રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકિકત જાણવા મળશે. એક તરફ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લામાં મળીને બાળકોમાં વાયરલ એન્કેફેલાઇટિસ (ચાંદીપુરા)ના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે ખાસ કરીને પંચમહાલ,છોટાઉદેપુર, ગોધરા, બનાસકાંઠા,સાબરકાંઠા, મહિસાગર, બાદ હવે વડોદરામાં પણ આ લક્ષણો ધરાવતો કેસ આવતાં શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે.
ગોત્રી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીનગર સોસાયટીની ચાર વર્ષીય બાળકી ધૃતિ પરમારને શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણો હોઇ એસ.એસ.જી.હોસ્પિટલમાં પિડિયાટ્રિક વિભાગના પીઆઇસીયુ માં દાખલ કરવામાં આવી હતી પરંતુ તબિયત વધુ બગડતા આખરે આજે બાળકીનું મોત નિપજ્યું હતું બાળકીના રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા જો કે હજી સુધી રિપોર્ટ આવ્યો નથી.
શહેરના સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં તા.19 જુલાઇ થી તા.20 મી જુલાઇ સુધીમાં રાત્રે 10 થી સવારે 10 વાગ્યા સુધીના આંકડા મુજબ કુલ 7 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 2 દર્દીઓની વોર્ડમાં સારવાર ચાલી રહી છે જ્યારે 5 બાળકો પીઆઇસીયુ માં સારવાર હેઠળ છે છેલ્લા ચોવીસ કલાકમાં એક મોત નિપજ્યું છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં નવો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીઆઇસીયુ માં 5 વેન્ટિલેટર ઉપલબ્ધ છે જ્યાં હાલ બાળકો સારવાર હેઠળ છે. ગોત્રીની ચાર વર્ષીય બાળકી ધૃતિના મૃત્યુ ને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે સાથે જ આસપાસના લોકોમાં પોતાના બાળકોને લ ઇ ચિંતા અને ભય જોવા મળી રહ્યો છે. સવારથી પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે અને તપાસ તથા દવાના છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણો ધરાવતી ચાર વર્ષીય બાળકીનું મોત
By
Posted on