Vadodara

ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!

બ્રિજ નીચેની જગ્યાનો સકારાત્મક ઉપયોગ કરવા પાલિકા તંત્રનો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે

વડોદરા ​: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી-હરીનગર પાંચ રસ્તા ખાતેના ઓવરબ્રિજ નીચે હવે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગની પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થશે. બાળકો અને યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ અંગેની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને તેના માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
​આ વિચારણા પાછળનું મુખ્ય કારણ ગુજરાત બહારના અન્ય પ્રદેશોમાં ઓવરબ્રિજની નીચે ટેબલ ટેનિસ જેવી રમતગમતની પ્રોત્સાહક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના તાજેતરમાં વાયરલ થયેલા વીડિયો છે. આ વીડિયોથી પ્રેરિત થઈને વડોદરાના ઓવરબ્રિજ નીચે પણ આવી રચનાત્મક પ્રવૃત્તિ થવી જોઈએ તેવી વિચારધારાએ વેગ પકડ્યો હતો. ખાસ કરીને ગોત્રી-હરીનગર પાંચ રસ્તાના ઓવરબ્રિજ નીચે આ પ્રકારની પ્રવૃત્તિ માટેની યોગ્ય જગ્યા ઉપલબ્ધ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને લેવામાં આવશે અને તમામ જરૂરી વ્યવસ્થા કર્યા બાદ જ આ કોચિંગ શરૂ કરવામાં આવશે. ઓવરબ્રિજ નીચેની જગ્યાનો અસરકારક અને સકારાત્મક ઉપયોગ કરવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે શહેરના રમતગમતના વાતાવરણને પ્રોત્સાહન આપશે.

તૈયારીઓ શરૂ, સુરક્ષા પર વિશેષ ધ્યાન..
​પાલિકા તંત્ર દ્વારા આ પ્રવૃત્તિ શરૂ કરવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
*​સફાઈ કાર્ય: ઓવરબ્રિજ નીચેની જે તે જગ્યાએ સાફ-સફાઈનું કાર્ય શરૂ કરી દેવાયું છે.
*​સુરક્ષા વ્યવસ્થા: કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બ્રિજ નીચે યોગ્ય જગ્યાએ ત્રણ ફૂટ જેટલું ચણતર કરવામાં આવ્યું છે, જે સુરક્ષાના ભાગરૂપે આવશ્યક છે.
*​બંધ કરવાની બાંહેધરી: આ ઉપરાંત, જે તે જગ્યાની ચારે બાજુઓ ઉપરથી બંધ કરી દેવાની પણ બાંહેધરી મળી છે, જેથી ત્યાં પ્રેક્ટિસ કરતા બાળકો અને યુવાનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

Most Popular

To Top