બ્રિજ મંજૂર થયો, પરંતુ ટ્રાફિકનું શું?
વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. આજે ફરી એકવાર ભારે ટ્રાફિક જામ સર્જાતા દર્દીને લઈને જતી એક એમ્બ્યુલન્સ 10 થી 15 મિનિટ સુધી ત્યાં જ અટવાઈ રહી હતી, જેના કારણે તંત્રની બેદરકારી સામે આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તો શહેરના સૌથી વ્યસ્ત જંક્શનોમાંનો એક છે, જ્યાં રોજિંદા ભારે વાહન વ્યવહાર જોવા મળે છે. તેમ છતાં અહીં નિયમિત ટ્રાફિક પોલીસની હાજરી ન હોવાને કારણે વાહન ચાલકો મનમાની રીતે વાહનો હંકારતા હોય છે, જેના કારણે ટ્રાફિક સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની જાય છે.

આજે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ત્યારે તેને રસ્તો કરી આપવા માટે પણ કોઈ સ્પષ્ટ વ્યવસ્થા નજરે પડી નહોતી.ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, બ્રિજનું કામ શરૂ થાય ત્યાં સુધીની હાલની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોની માંગ છે કે જ્યાં સુધી બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચાર રસ્તા પર કાયમી ટ્રાફિક પોલીસની નિમણૂક કરવામાં આવે તથા યોગ્ય ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. આ ઘટનાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો સમયસર અસરકારક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ ગંભીર દુર્ઘટના કે જાનહાનીની ઘટના બનવાની શક્યતા નકારી શકાતી નથી.