Vadodara

ગોત્રી મેડિકલ કોલેજમાં ACના આઉટડોર યુનિટમાં પ્રચંડ બ્લાસ્ટ, પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં ફાળ પડી

ચોથા માળે લેબની બહાર આવેલા એસી કમ્પ્રેસરમાં ટેકનિકલ ખામી સર્જાતા જોરદાર ધડાકો થયો

સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ત્રીજા માળે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને અન્ય હોલમાં ખસેડાયા

(પ્રતિનિધિ), વડોદરા. તા.27

વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં આજે ગભરાટનો માહોલ સર્જાયો હતો. કોલેજના ચોથા માળે લેબોરેટરીની બહાર રાખવામાં આવેલા સેન્ટ્રલ એસીના આઉટડોર યુનિટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર બિલ્ડિંગ ધ્રૂજી ઉઠી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે હોસ્પિટલ અને કોલેજ સ્ટાફ સહિત દર્દીઓના સગા-સંબંધીઓ પણ ભયના માર્યા ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે બિલ્ડિંગના ત્રીજા માળે મેડિકલના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી. બ્લાસ્ટનો અવાજ સાંભળીને પરીક્ષાર્થીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ મોટી હોનારત સર્જાઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી, જે રાહતની વાત છે.

ઘટનાની જાણ થતા જ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મશીનની અંદર પ્રેશર સાથે ગેસ લીક થયો હતો, જેના કારણે બ્લાસ્ટ જેવો પ્રચંડ અવાજ આવ્યો હતો. કોઈ મોટી આગ લાગી નથી. સાવચેતીના ભાગરૂપે હાલ સેન્ટ્રલ એસી યુનિટ બંધ કરી દેવામાં આવ્યું છે.”



ઉનાળાની શરૂઆત થતા જ એસીના લોડમાં વધારો થાય છે. આ ઘટના બાદ સવાલ ઉઠી રહ્યા છે કે શું સમયસર એસીની સર્વિસ કરવામાં આવી હતી ? જોકે, અધિકારીઓએ દાવો કર્યો છે કે એજન્સી દ્વારા વખતોવખત સર્વિસ કરવામાં આવે છે. હાલમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેઓને 1000ની કેપેસિટી ધરાવતા અન્ય લેક્ચર હોલમાં ખસેડીને પરીક્ષાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top