Vadodara

ગોત્રી ખાતે વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો

વડોદરા : રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ વચ્ચે શહેરના ગોત્રી ગામમાં વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર સહિત ટોળાએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. યુવતીના પરિવાર પક્ષ વાળા તેનું અપહરણ કરી લઈ ગયા હતા. ત્યારે બીજી બાજુ ઇજાગ્રસ્ત યુવાનને ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મામલે મોડી રાત્રે યુવકના પક્ષ દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  આધારભુત સુત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, ગોત્રી ગામ અંબીકાનગરની પાસે ચંદ્રનગરમાં રહેતા રમેશ પરમાર અને તાંદલજા વિસ્તારમાં રહેતી વિધર્મી યુવતી એકબીજાના પ્રેમમાં હતા. જેથી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ બાદ ત્રણ મહિના અગાઉ રમેશ યુવતીને સાથે લઈ લગ્ન કરવા ઘરેથી સુરત જતો રહ્યો હતો. દરમિયાન, રમેશ પરમાર યુવતીને લઈ મંગળવારે પોતાના ઘરે આવ્યો હતો. જે અંગેની જાણ યુવતીના પરિવારને થતાં તેઓ 20 જેટલા લોકોને લઈ રમેશના ઘરે ધસી આવ્યા હતા. અને રમેશ અને યુવતીને માર મારી ઉપરાંત રમેશના ઘરમાં તોડફોડ કરી હતી. તે બાદ વિધર્મી પરિવાર યુવતીનું અપહરણ કરી સાથે લઈ ગયા હતા.

આ અંગે વિધર્મી યુવતીના પરિવારજનોનો ભોગ બનેલા રમેશ પરમારે જણાવ્યું હતું કે, મારે એક યુવતી સાથે પ્રેમ હતો. અમે ત્રણ મહિના અગાઉ ફરાર થઇ ગયા હતા. અને સુરત રહેતા હતા. દરમિયાન વડોદરા જે.પી રોડ પોલીસ અમને બંનેને પકડી વડોદરા લાવી હતી. અને અમારા નિવેદન લઈ છોડી જવા દિધા હતા. અમે મેરેજ રજિસ્ટર કરાવવાના હતાં. પરંતુ અમે વડોદરા હોવાની જાણ યુવતીના પરિવારને થતાં, તેઓ 20 જેટલા લોકોને લઈ મારા ઘરે ધસી આવ્યા હતા. અને મને અને યુવતીને ઢોર માર મારી ઘરમાં તોડફોડ કરી હતી. અને યુવતીનું અપહરણ કરી લઇ ગયા હતા.  વિધર્મી યુવતીના પરિવારે રમેશ પરમાર પર જીવલેન હુમલો કરી દિધો હતો. જેમા રમેશને ઈજાઓ પહોંચી હતી. જોકે તાત્કાલીક તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બીજી બાજુ ગોત્રી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ રમેશે મોડી રાત્રે ઉપરોક્ત ઘટનાને લઈ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top