અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ
( પ્રતિનિધી )વડોદરા,તા.26
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સની સામે ગોત્રી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ઘર આંગણે રમી રહેલી શ્રમજીવી બાળકીનું કારની અડફેટે મોત થયું હતું.જ્યારે પોલીસે અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયેલા કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ગોત્રી વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના બની હતી. જેમાં એક વર્ષની માસુમ બાળકીનું કાર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું.

ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સની સામે ગોત્રી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચાલી રહેલા બાંધકામ સ્થળ પર આ ઘટના બની હતી. મધ્યપ્રદેશથી રોજગારી અર્થે આવેલા મજૂર પરિવારની એક વર્ષની બાળકી એલિસા અરવિંદભાઈ નીનામા ચાલી રહેલી કામગીરી પાસે ઘરના આંગણામાં રમી રહી હતી, તે સમયે એક કારના ચાલકે આજુબાજુમાં જોયા વિના બેદરકારીપૂર્વક કાર હંકારી હતી. જેના કારણે માસુમ એલિસ આ કાર નીચે આવી ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ મજૂર વર્ગમાં શોક અને રોશની લાગણી વ્યાપી ગઈ છે. રોજગારી માટે વડોદરા આવેલા મજૂરો ન્યુ વીઆઇપી રોડ ઉપર રહે છે અને ગોત્રી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા, તેમને પોલીસ સમક્ષ ન્યાય માટે અરજ કરી હતી. આ ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી આગળની કાર્યવાહી હાથધરી છે.