દુર્ગંધ ફેલાતા પાડોશીએ જાણ કરી, પોલીસ તપાસમાં મૃતદેહ મળી આવ્યો



( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ઓમ હાઉસિંગ સોસાયટીના એક મકાનમાંથી એકલવાયું જીવન ગુજારતા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા આગળની તપાસ હાથધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુળ પાર્ટી પ્લોટ પાસે આવેલી ઓમ હાઉસિંગ સોસાયટીના સી-55 મકાનમાંથી 30 વર્ષીય યુવક સુરજ સુધાકર નાયરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. મૃતકના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, મકાન બંધ હતું અને અંદરથી દુર્ગંધ આવવા લાગી હતી. ઘણી વખત દરવાજો ખટખટાવ્યો, પણ કોઈ જવાબ આવ્યો ન હતો અને દુર્ગંધ વધુ ફેલાવા લાગી હતી, તેથી પાડોશી દ્વારા તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવી મકાનમાં તપાસ કરતા સૂરજનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માતા-પિતા કેટલાક વર્ષો પહેલા ગુજરી ગયા હતા, તેથી તે એકલો જીવન ગુજારતો હતો અને નંદેસરીમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી મોતનું કારણ જાણવા અંગે આગળની તપાસ હાથધરી છે.