: ટીડીઓએ વિવિધ આક્ષેપો અંગે તપાસ કરીને કર્યો હુકમ
પ્રતિનિધિ સંખેડા
સંખેડા તાલુકાના કાવીઠા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને એક મહિલા સભ્યને વિવિધ ગેરરીતિના આક્ષેપોની તપાસ કરીને ગેરલાયક ઠરાવવાનો હુકમ સંખેડા તાલુકા વિકાસ અધિકારીએ કર્યો છે.
સંખેડા તાલુકાના કાવીઠા ગામના સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકી તથા તેમની પુત્રવધુ પ્રિયંકાબેન અજયકુમાર સોલંકી સામે ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી અને આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં સરપંચ દ્વારા વર્ષ 2021-22 માં તેમના પતિ મનોજભાઈ નાથાભાઈ સોલંકીના નામથી ચાલતી પવનપુત્ર ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સીના નામના ખોટા બીલો બનાવી નાણાકીય ગેરરીતિ આચરી હતી.વર્ષ 2022-23 માં નાણાંપંચ ગ્રાન્ટના કામોમાં તેમના જમાઈ રોહિત જયકિશન હિતેન્દ્રભાઇ ને લેબર કોન્ટ્રાકટ આપી ગેરરીતિ આચરી હતી.ઉપરાંત મોજે કાવીઠા ગામની સર્વે નં. 1190 વાળી જમીનમાં ભાડા કરારથી એન.એ. કર્યા વગર બિનઅધિકૃત રીતે મકાનનું બાંધકામ કરેલ છે, તેના ઉપર કોમર્શિયલ બાંધકામ કરેલું છે.તેવા આક્ષેપ કરવામાં આવતા હતા.
જેના અનુસંધાને આજરોજ સંખેડા તાલુકા પંચાયતના મહિલા સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકીને તેમજ તેમના પુત્રવધુ પ્રિયંકાબેન અજયકુમાર સોલંકીને ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે.
કેટલા રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી ?
કાવીઠાના મહિલા સરપંચ જ્યોતિબેન મનોજભાઈ સોલંકી દ્વારા વર્ષ 2021-22 માં 15 માં નાણાપંચ માં પવનપુત્ર ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સીના નામે રૂ.11,86,270/- તથા રોહિત જયકિશન હિતેન્દ્રભાઇ એજન્સીના નામે રૂ.4,00,550/- ચૂકવવામાં આવેલ છે.તેમજ વર્ષ 2022-23 માં પવનપુત્ર ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સીના નામે રૂ.2,35,788/- તથા રોહિત જયકિશન હિતેન્દ્રભાઇ એજન્સીના નામે રૂ.88,940/- ચૂકવવામાં આવેલ છે.
શું કાર્યવાહી કરાઈ ?
કાવીઠાના સરપંચ દ્વારા 14 માં નાણાપંચ તથા 15 માં નાણાપંચ ના કામો માં પોતાના કુટુંબની વ્યક્તિઓના માલસામાનના બીલો મૂકી ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા સરપંચ પાસે ખુલાસો રજૂ કરવા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જે અંગે સરપંચ દ્વારા તા.20-01-2025 ના પત્રથી જવાબ રજૂ કર્યો હતો.ત્યારબાદ રૂબરૂમાં સુનાવણી રાખતા તા.23-1-2025 ના રોજ સરપંચ દ્વારા વકીલ રોકવા મુદત માંગવામાં આવી હતી, અને આગળની તારીખ 1-3-2025 ના રોજ સુનાવણી રાખી હતી, તે દિવસે સરપંચ સારવાર અર્થે ગયેલા હોવાનો રિપોર્ટ વકીલે આપતા વધુ એક તક આપીને આખરી મુદત તા.19-3-2025 ના રોજ રાખી હતી ત્યારે સરપંચે આખરી જવાબ રજૂ કર્યો હતો.અને નોટિસ બાબતે રજૂ કરવામાં આવેલો ખુલાશો યોગ્ય જવાબ હોવાનું જણાઈ આવ્યું હતું
શું કહે છે પંચાયત ધારો ?
જેમાં તાલુકા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 30(1)(જ) મુજબ પંચાયતના કરેલ કોઈ કામમાં અથવા પંચાયત સાથેના,પંચાયતે કરેલ અથવા તેના વતી કરેલ કોઈ કરારમાં અથવા પંચાયતની પંચાયત હેઠળની નોકરીમાં , તે અથવા પોતાના ભાગીદાર મારફત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે હિસ્સો અથવા હોય સંબંધ ધરાવતી હોય તે વ્યક્તિ પંચાયતની સભ્ય થઈ શકશે નહિ અથવા સભ્ય તરીકે ચાલુ રહી શકશે નહિ.
