સંખેડા: સંખેડા-ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરણેટ ગામ વચ્ચે ઓરસંગ નદીના પુલની બાજુમાં ટ્રેક્ટર મારફતે થતું ગેરકાયદે રેતી ખનનનું કૌભાંડ ગત વર્ષે ઝડપાયા બાદ ફરીથી આ વિસ્તારમાં રેતી ખનનની પ્રવૃતિ ચાલુ થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે
ગત વર્ષે રેતીખનન પ્રવૃતિ ઝડપાયા બાદ થોડા સમય સુધી કામ બંધ રહ્યું હતું, ફરી ગેરકાયદે પ્રવૃતિ શરૂ થઈ છે.
સંખેડા-ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરણેટ ગામ વચ્ચેથી ઓરસંગ નદી પસાર થાય છે. મેંવાસ વિસ્તારના રહીશો માટે જીવાદોરી સમાન છે. આ વિસ્તારના ઉપરાંત બોડેલી તાલુકાના કોસિન્દ્રા સુધીના ગામોના વાહન ચાલકો માટે પુલ આશીર્વાદ સમાન છે. આ વિસ્તારના રેતી માફિયાઓ પુલની બિલકુલ બાજુમાં ગેરકાયદે રેતીનું ખનન કરે છે.
પુલ નજીક મોટા પ્રમાણમાં ખોદકામ થતાં ગત વર્ષે પણ રતનપુરના લોકોએ જિલ્લા ક્લેકટર અને ખાણ ખનીજ ખાતાને લેખિત રજૂઆતો કરી હતી. જે બાદ તંત્ર એકશનમાં આવ્યું હતું અને ગેરકાયદે રેતી ખનન કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. પરંતુ ખનીજ તંત્રના આશીર્વાદથી હજી પણ આ વિસ્તારમાં ટ્રેક્ટર તેમજ ટ્રક મારફતે ગેરકાયદે રેતીખનનની પ્રક્રિયા મોટા પાયા પર ચાલી રહ્યું છે.
અહીં ડભોઈ નગરને પીવાનું પાણી પૂરું પાડતી લાઈન માટે કૂવા છે. નદી પટના આ કૂવા પાસે પણ મોટા પાએ રેતીખનન થતાં પાણીની લાઈનની અમુક પાઈપો પણ તૂટી જતાં તેમાંથી પાણી નીકળતું જોવા મળ્યું. છે ટ્રેક્ટરો મારફતે પુલ નજીકની ભેખડો ગેરકાયદેસર ખોદી નંખાઈ છે. આ પુલ મેવાસ વિસ્તારના લોકોને ડભોઈ અને વડોદરા જવાનો ટૂંકો રસ્તો છે. પુલ પાસે થતાં ગેરકાયદે રેતી ખનન રોકવા માટે તંત્ર પગલાં લે તે જરૂરી બન્યુ છે.