ગુલાબના પુષ્પને સાચી સ્મરણાંજલિ !

વેલેંટાઈન દિવસની ઉજવણી એક વીક પહેલા એટલે કે 7 ફેબ્રુઆરીથી ‘રોઝડે’ થી થઈ જાય છે. આ દિવસે લોકો એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે. પોતાનો ભાવ વ્યક્ત કરવા બધા ગુલાબ આપે છે એટલે આપણે આપી, ‘રોઝ ડે ‘ મનાવીએ છીએ. પણ ગુલાબના પુષ્પની જે વિશિષ્ટ ખાસિયતો છે એને માનવજીવનમાં જો અપનાવીએ તો ગુલાબની માફક જ આપણે પણ અન્યને આપણી તરફ આકર્ષિત કરી શકીએ. ગુલાબના પુષ્પની વિશેષ ખાસિયત એ છે કે એ કાંટાઓની વચ્ચે ખીલે છે ,ખૂલે છે ,સુવાસ ફેલાવે છે અને એની કોમળતાની અનુભૂતિ સૌને કરાવે છે .ગુલાબ માં સૌંદર્ય તો છે જ , પણ કેવું સૌંદર્ય ? આપણને એના તરફ આકર્ષિત કરે તેવું! ગુલાબની કોમળતા અને ખાસિયત જીવન જીવવા સતત પ્રેરિત કરે છે. જિંદગી કાંટા જેવી છે, મુશ્કેલીઓ તો આવવાની જ. કાંટા જેવી પીડા આપનાર લોકો સતત આપણી આસપાસ હોય જ છે.

વળી તેઓ હંમેશા આપણને હેરાન કરવા કટિબદ્ધ રહેતા જ હોય છે. પણ આ બધાની વચ્ચે પણ માણસ ગુલાબની જેમ સૌંદર્ય ,(ગુણથી આકર્ષિત કરે તેવું )સુગંધ ,(સદગુણોની સુવાસ) રંગ ,(મતભેદ વગર) કોમળતા (સંવેદનશીલતા )જાળવી રાખે અને પ્રસન્ન રહે તો ‘ગુલાબ દિવસે’ પરસ્પરને આપેલ ગુલાબની સાર્થકતા જળવાય ! ગુલાબ જ નહીં પ્રત્યેક પુષ્પ આપણને એ શીખ આપે છે કે ખીલવું અને કરમાઈ જવું એ ક્રમ છે. પુષ્પ જેમ વચ્ચેના સમયમાં હવાના સંપર્કમાં રહી આનંદથી ભરપૂર જીવે છે તેમ માનવી પણ જન્મ અને મૃત્યુ વચ્ચેના   સમયગાળામાં મસ્તીથી પોતાની હાજરીને મહેકાવે ,મોજથી પોતાના અસ્તિત્વને નિખારે, પોતાના જીવનને પ્રસન્નતાથી ધબકાવે તો ‘રોઝ ડે’ ઉજવવાનો સાચો અધિકારી બની શકે !

સુરત – અરૂણ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top