ગુરુ અમરદાસજીના અનેક શિષ્ય હતા.જેમાંથી એક નહિ પણ ઘણા શિષ્યો હતા જે તેમના ઉત્તરાધિકારી બનવા માટે પોતાને લાયક સમજતા હતા.ગુરુજી પોતે પણ કોઈ એક શિષ્યને પસંદ કરવા પહેલા બધાને સમાન તક આપી, કસોટી કરીને પછીજ ઉત્તરાધિકારી જાહેર કરવા માંગતા હતા.
એક દિવસ ગુરુજીએ બધા શિષ્યોને બોલાવીને કહ્યું, ‘તમે બધા પોત પોતાની રીતે એક સરસ ચબુતરો બનાવો.’ બધા શિષ્યો ગુરુજીની આજ્ઞા માથે ચઢાવી ચબુતરો બાંધવા લાગ્યા.ઘણી મહેનતથી તેમને ચબુતરા બનાવ્યા.બે ત્રણ દિવસ બાદ ગુરુજી આવ્યા અને બધા ચબુતરાનું અવલોકન કર્યા બાદ કહ્યું, ‘મને આમાંથી એકપણ ચબુતરો પસંદ નથી બધા તોડી નાખો અને નવા ચબુતરા બનાવો.’ મહા મહેનત સાથે બનાવેલા ચબુતરા તોડવાનું મોટાભાગના શિષ્યોને ગમ્યું નહિ પરંતુ ગુરુજીની આજ્ઞા માનવી જ પડે એટલે બધા શિષ્યો પોતે બાંધેલા ચબુતરા તોડીને નવા ચબુતરા બનાવવા લાગ્યા.બે દિવસ મહેનત કરી વધુ સુંદર ચબુતરા બનાવ્યા.બે દિવસ પછી ગુરુજીએ આવીને બધા ચબુતરા જોયા અને પછી ફરી કહ્યું, ‘બધા ચબુતરા તોડી નાખો મને કોઈપણ પસંદ નથી.ફરીથી નવા ચબુતરા બનાવો.’
અમુક શિષ્યોની ધીરજ ખૂટી ગઈ તેઓ પોતે બનાવેલા ચબુતરાને તોડી નાખીને બેસી ગયા નવો ચબુતરો બનાવવાની મહેનત કરવા તેઓ તૈયાર ન હતા.તેઓ વાતો કરવા લાગ્યા ગુરુજી વૃદ્ધ થઈ ગયા છે એટલે હવે તેમની વિચાર ક્ષમતા ઓછી થઈ ગઈ લાગે છે; આ શું આટલા બધા ચબુતરા બનાવવાના અને પછી તોડી નાખવાનો આદેશ આપવાનો શું અર્થ છે.હવે આવી વાતો ફેલાતા માત્ર થોડા જ શિષ્યો ચબુતરો બનાવી રહ્યા હતા. થોડા શિષ્યોએ ચબુતરા બનાવી લીધા, ગુરુજીએ તે બધા પણ તોડી નાખી નવા બનાવવા કહ્યું…બધા નિરાશ થઇ ગયા કે ગુરુજી આ શું કરી રહ્યા છે શું કામ ખોટી મહેનત કરાવે છે.બધાએ ચબુતરા તોડી નાખ્યા અને બધા બેસી ગયા…એક માત્ર રામદાસ નવો ચબુતરો બનાવી રહ્યા હતા.બધા શિષ્યો તેમની પર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘તું શું કામ ખોટી મહેનત કરે છે.ગુરુજી આ નકામા આદેશનું પાલન કરવું નકામું છે એમાં કોઈ સમજદારી નથી.’
રામદાસે કહ્યું, ‘ગુરુની કોઈ આજ્ઞા નકામી હોતી નથી અને ગુરુના દરેક આદેશનું પાલન કરવું એ જ સાચો શિષ્ય ધર્મ છે.’ તેમણે નવો ચબુતરો બનાવ્યો.ગુરુજીએ તે પણ તોડાવ્યો અને એક પછી એક લગભગ ૨૦ ચબુતરા તોડાવ્યા પણ રામદાસની ધીરજ ન ખૂટી.તેમને સતત ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું અને મહેનત કરવામાં બિલકુલ આળસ ન કર્યું.
ગુરુજીએ રામદાસની પસંદગી પોતાના ઉત્તરાધિકારી તરીકે કરતા કહ્યું, ‘વત્સ તું મારો સાચો શિષ્ય છે અને ઉત્તરાધિકારી બનવાનો અધિકારી છે.ગુરુજીના આદેશ પર શંકા ,વિચાર, વિમર્શ ન કરાય …ગુરુજીની આજ્ઞાનું તો બસ પાલન જ કરાય.ગુરુજી જે કઈ પણ કહે તેની પાછળ શિષ્યની ભલાઈ છુપી હોય છે.તેઓ હંમેશા કૈક પાઠ શીખવવા જ કૈક કહેતા હોય છે.આ તમારી કસોટી હતી તેમાં રામદાસ ઉતીર્ણ થયો છે.’
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.